કુર્લા બેસ્ટ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો

મુંબઇઃ સોમવારે રાત્રે મુંબઈના કુર્લામાં થયેલા ‘બેસ્ટ’ બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ હતા, પરંતુ એક ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો છે. આ અકસ્માતમાં 25 લોકો ઘાયલ થયા છે.
આધારભૂત સૂત્રોએ માહિતી આપી હતી કે બસની બ્રેક ફેલ થઇ જવાથી બસ ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું હતું અને ઘણા રાહદારીઓ તેમજ વાહનોને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે માહિતી આપી હતી કે અકસ્માત બર્વે રોડ પર થયો હતો અને હાલમાં આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આ અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બેસ્ટના રૂટ નંબર 332 પરની બસ કુર્લાથી અંધેરી જઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે સ્ટિંયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસે 30 થી 40 વાહનોને ટક્કર મારી હતી. કેટલાક વાહનો તો 100 મીટર સુધી ધકેલાઇ ગયા હતા. બસે કેટલાક વાહનોને કચડી નાખ્યા હતા. અકસ્માતમાં કેટલાક લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પોલીસે જણાવ્યું હતું કે આ મામલામાં બસ ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે. ઘાયલોને મહાનગરપાલિકાની ભાભા હોસ્પિટલ અને સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના સાંસદ વર્ષા ગાયકવાડે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માંગ કરી હતી કે ‘આ અકસ્માત આઘાતજનક અને ચિંતાજનક છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.’