
મુંબઈઃ કેરળની કોચી વોટર મેટ્રો જેવી મેટ્રો મુંબઈમાં શરૂ કરવા માટે કોચી મેટ્રોને વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ કરવા જણાવાયું હોવાનું મહારાષ્ટ્રના બંદર ખાતાના પ્રધાન નિતેશ રાણેએ જણાવ્યું છે. મહિનાના અંત સુધીમાં વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ મળવાની અપેક્ષા છે. 50:50 ઇક્વિટી ભાગીદારી પર કેન્દ્ર સરકારની સાથે મહાનગરમાં પ્રોજેક્ટના અમલ માટે એક વિશેષ યોજના બનાવવામાં આવશે. મુંબઈ સાત ટાપુઓનું બનેલું છે, પરંતુ જળમાર્ગોનો અગાઉ ક્યારેય તેમની સંપૂર્ણ ક્ષમતા માટે ઉપયોગ કરવામાં આવ્યો નથી, એમ જણાવ્યું હતું.
વોટર મેટ્રો પ્રોજેક્ટથી શહેરી પરિવહનમાં સુધારો થશે
આ પ્રકારના પ્રયાસથી રસ્તાઓ અને ઉપનગરીય રેલવે પરનો બોજ હળવો થશે. ‘‘વોટર મેટ્રો પ્રોજેક્ટથી શહેરી પરિવહનમાં સુધારો થશે અને દેશની નાણાકીય રાજધાનીમાં પર્યટનને વેગ મળશે. કોચી વોટર મેટ્રો મહારાષ્ટ્ર સરકારને મદદ કરી રહી છે. તેના હેઠળ બેટરીથી ચાલતી ફેરી મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ના વિવિધ ભાગોને જોડશે,’’ રાણેએ જણાવ્યું હતું. ડિસેમ્બર ૨૦૨૩માં પ્રથમ બોટ શરૂ થવાની સાથે કોચી વોટર મેટ્રો સિસ્ટમ ધરાવતું ભારતનું પ્રથમ શહેર બન્યું હતું, જેણે ત્યાંના રહેવાસીઓને ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ તેમજ સરળ અને મનોહર મુસાફરી ઉપલબ્ધ કરી આપી હતી.
બોરીવલી-ગોરાઈ-નરીમાન પોઈન્ટનો સમાવેશ
એમએમઆરમાં સંભવિત માર્ગોમાં નારંગી- ખારવાડેશ્વરી, વસઈ-મીરા ભાયંદર, ફાઉન્ટેન જેટી-ગાયમુખ -નાગલે, કોળસેટ-કાલહર -મુંબ્રા- કલ્યાણ, કલ્યાણ-મુમ્બ્રા-મુલુંડ-ઐરોલી, વાશી- ડોમેસ્ટિક ક્રુઝ ટર્મિનલ (ડીસીટી) જે ભાઉચા ધક્કા તરીકે પણ ઓળખાય છે. ગેટવે ઓફ ઇન્ડિયા, મુલુંડ- ઐરોલી- ડીસીટી-ગેટવે ઓફ ઇન્ડિયા, મીરા ભાયંદર-વસઈ-બોરીવલી-નરીમાન પોઇન્ટ- માંડવા, બેલાપુર-ગેટવે-માંડવા, બોરિવલી-ગોરાઇ- નરીમાન પોઇન્ટનો સમાવેશ થાય છે એવી જાણકારી રાણેએ આપી હતી.
સ્ટેશન માટે 21 સૂચિત સ્થળનો સમાવેશ થાય છે
વૈતરણા નદી, વસઈ, થાણે, મનોરી અને પનવેલ ખાડીઓ અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટના જળ વિસ્તાર સાથેનાં સ્ટેશનો માટે ૨૧ સૂચિત સ્થળો છે. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં વોટર મેટ્રો હશે, જ્યારે બીજા તબક્કામાં રો-રો (રોલ ઓન-રોલ ઓફ) સેવા હશે, એમ પણ રાજ્યના પ્રધાને જણાવ્યું હતું.