આમચી મુંબઈ

ખીચડી કૌભાંડનો કિંગપિન સંજય રાઉત હોવાના પુરાવા છે

શિવસેના (UBT) નેતા અને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભાના ઉમેદવાર અમોલ કીર્તિકર સોમવારે કોવિડ -19 રોગચાળા દરમિયાન ખીચડીના વિતરણમાં કથિત અનિયમિતતા સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. દરમિયાનમાં કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા સંજય નિરુપમે મહારાષ્ટ્રના ખીચડી કૌભાંડ, અમોલ કીર્તિકર અને સંજય રાઉત પર પ્રહારો કર્યા છે.

ખીચડી કૌભાંડ કેસમાં સંજય રાઉત પણ આરોપી હતા તેથી સંજય નિરુપમે સંજય રાઉત પર પ્રહારો કર્યા છે. તેમણે EDને તપાસનો વ્યાપ વધારવાની અપીલ કરી છે. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે સંજય રાઉત વિરુદ્ધ પુરાવા છે અને જો ED રાઉતની ધરપકડ કરશે તો તેઓ આ પુરાવા રજૂ કરશે.


Also Read: ‘Khichdi Scam’માં રાઉતની મુશ્કેલી વધીઃ ભાઈ સંદીપ રાઉતને ઇડીના સમન્સ


સંજય નિરુપમે જણાવ્યું હતું કે EDએ ઉત્તર પશ્ચિમ મુંબઈથી શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવાર અને ખીચડી ચોર અમોલ કીર્તિકરને સમન્સ મોકલ્યું છે. આ વિસ્તારના મતદારોને જાણ હોવી જોઇએ કે તેમના ઉમેદવારો ચોર છે, પરંતુ તે એકલો ચોર નથી. સંજય રાઉત ખીચ઼ડી કૌભાંડનો કિંગપીન અને માસ્ટરમાઇન્ડ છે. પતરાચાલ કૌભાંડમાં તેણે પત્નીના નામે પૈસા ખાધા અને ખીચડી કૌભાંડમાં પુત્રી અને ભાઇના ખાતામાં પૈસા લીધા છે. મારી પાસે આ સમગ્ર વ્યવહારની વિગતો છે

કોરોના કાળમાં સહ્યાદ્રી રિફ્રેશમેન્ટને 6 કરોડ 71 લાખ રૂપિયાનો ખીચડી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. સહ્યાદ્રી રિફ્રેશમેન્ટના ખાતામાંથી સંજય રાઉતની દીકરીના ખાતામાં ત્રણ વાર અને તેના ભાઇના ખાતામાં બે વાર પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમના ભાગીદાર સુજીત પાટકરના ખાતામાં પણ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.



BMCએ તેમને 33 રૂપિયામાં 300 ગ્રામ ખીચડી મફતમાં સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જ્યારે આ લોકોએ લોકોને માત્ર 100 ગ્રામ ખીચડી સપ્લાય કરી હતી અને 200 ગ્રામ ખીચડીના પૈસા ખાઇ ગયા હતા. તેમણે ગરીબો પાસેથી 200 ગ્રામ ખીચડીની ચોરી કરી છે. તેણે પોતાનું રસોડું બનાવીને પર્સિયન કોર્ટ કિચનનો કોન્ટ્રાક્ટ લીધો હતો. સંજય નિરૂપમના આવા પ્રહારો બાદ હવે સંજય રાઉત શું પ્રતિક્રિયા આપે છે તે જોવું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button