આમચી મુંબઈ

ખારમાં વેપારી પર બિલ્ડિંગના સ્લૅબનો ભાગ પડ્યો: મકાનમાલિક વિરુદ્ધ ગુનો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં રહેતો હાર્ડવેરનો વેપારી મિત્ર સાથે ખરીદી કરવા ખારમાં ગયો ત્યારે જર્જરિત ઈમારતના સ્લૅબનો ભાગ તેમના પર તૂટી પડ્યો હતો. આ ઘટનામાં વેપારી અને તેનો મિત્ર જખમી થયા હોઈ પોલીસે મકાનમાલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ખાર પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની રાતે 9.40 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં નીરવ શાંતિલાલ નિસર (27) અને તેનો મિત્ર હર્ષ પોરવાલ (28) જખમી થયા હતા. નીરવ નિસરની ફરિયાદ બાદ ખાર પશ્ર્ચિમમાં લિન્કિંગ રોડ પર આવેલી કદમ્બ કુડપી હાઉસ બિલ્ડિંગના માલિક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર ગ્રાન્ટ રોડમાં રહેતો અને હાર્ડવેરનો વ્યવસાય ધરાવતો નીરવનો મિત્ર હર્ષ હાલમાં મધ્ય પ્રદેશમાં રહે છે. હર્ષની બહેન મરીન લાઈન્સ પરિસરમાં રહેતી હોવાથી તે જ્યારે મુંબઈ આવે ત્યારે નીરવને મળે અને બન્ને સાથે ફરવા જતા. હર્ષના એક સગાનાં લગ્ન હોવાથી તે ખરીદી માટે મુંબઈ આવ્યો હતો.

બન્ને મિત્ર ખાર પશ્ર્ચિમમાં ખરીદી અને મિત્રોને મળવા ગયા હતા. જર્જરિત ઈમારત કદમ્બ કુડપી હાઉસ સામે બન્ને મિત્ર ઊભા હતા ત્યારે બિલ્ડિંગના બીજા માળના સ્લૅબનો અમુક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. સ્લૅબ પડવાને કારણે નીરવના ખભા અને ડાબા હાથમાં ઇજા થઈ હતી, જ્યારે હર્ષના માથા, પીઠ, ચહેરા, છાતી, બન્ને હાથ અને પગ પર ગંભીર ઇજા થઈ હતી. સારવાર માટે તેને બાન્દ્રાની ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે તેને બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. હર્ષને ફ્રેક્ચર થયું હોવાનું પોલીસનું કહેવું છે.

ઈમારત જર્જરિત અવસ્થામાં હોવા છતાં તેનું સમારકામ કરાયું નહોતું, જેને પગલે આ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. સ્લૅબને કારણે બિલ્ડિંગની સામે પાર્ક એક બાઈકને પણ નુકસાન થયું હોવાનું કહેવાય છે.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button