તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરનારો આરોપી નેપાળ સરહદે પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પગાર ન આપવામાં આવતાં રોષે ભરાયેલા કાર્પેન્ટરે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સાથીની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના ખારમાં બની હતી. ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે નેપાળ સરહદેથી પકડી પાડ્યો હતો.
ખાર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રામકિસન ઉર્ફે કૃષ્ણ તરીકે થઈ હતી. ખાર પશ્ર્ચિમમાં 16મા રસ્તા પરની તુલિપ બિલ્ડિંગમાં કામ કરતી વખતે 29 ડિસેમ્બર, 2025ની સાંજે આરોપીએ તેના સાથી મનોજ મોતીરામ જાંગિડ પર હુમલો કર્યો હતો.
કામનું મહેનતાણું ન ચૂકવવાને મુદ્દે રામકિસને જાંગિડ સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં ગુસ્સામાં તીક્ષ્ણ હથિયારથી ગળા અને ખભા પર ઘા કરતાં જાંગિડ ગંભીર રીતે ઘવાયો હતો. સારવાર માટે તેને હોલી ફૅમિલી હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ પ્રકરણે ખાર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી રામકિસનની શોધ હાથ ધરી હતી.
સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને મોબાઈલ નંબરને આધારે ટ્રેસ કરતાં રામકિસન વસઈમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની ટીમ વસઈમાં રહેતા રામકિસનના સગાને ઘેર પહોંચી ત્યારે તે ત્યાંથી રવાના થઈ ગયો હતો. આરોપી ઉત્તર પ્રદેશના તેના વતન સિદ્ધાર્થનગર ગયો હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ વારંવાર ઠેકાણાં બદલતો રામકિસન પોલીસને હાથ લાગતો નહોતો.
આખરે રામકિસન નેપાળ ફરાર થવાની તૈયારીમાં હોવાની માહિતી પોલીસને મળી હતી. ખાર પોલીસે ઇટવા પોલીસની મદદથી નેપાળની સરહદે આવેલા બઢણી ગામે છટકું ગોઠવ્યું હતું. સોમવારે ઝડપાયેલા આરોપીને મુંબઈ લાવવામાં આવ્યો હતો. પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.



