કાંદિવલી અને ઘાટકોપરમાં ઈમારતમાં આગ: કોઈ જખમી નહીં…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં બુધવારે ઉપનગરમાં આગના બે જુદા જુદા બનાવ બન્યા હતા, પ્રાથમિક માહિતી મુજબ બંને ઘટનામાં કોઈ જખમી થયું નહોતું. કાંદિવલી (પૂર્વ)માં દત્તાણી પાર્ક રોડ પર આવેલી બહુમાળીય ઈમારતમાં ૨૮મા માળા પર આવેલા ફ્લેટમાં બુધવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. તો ઘાટકોપરમાં પણ એક બિલ્ડીંગમાં આગ લાગી હતી.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ કાંદિવલી પૂર્વમાં દત્તાણી પાર્ક રોડ પર ૩૬ માળની ગોકુલ કોન્કોર્ડે બિલ્ડિંગ આવેલી છે. સાંજે ૭.૫૪ વાગે બિલ્ડિંગના ૨૮ માળા પર એક ફ્લેટમાં આગ લાગી હતી. ઘટના સ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. મોડે સુધી આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ ફાયરબિગ્રેડ દ્વારા હાથ ધરાયા હતા.
બીજો બનાવ ઘાટકોપરમાં પશ્ર્ચિમમાં અમૃત નગરમાં ગોલીબાર રોડ પર આવેલી બિલ્િંડગમાં બન્યો હતો, જેમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની બિલ્ડીંગના ચોથા માળા પર એક ફ્લેટના ઈલેક્ટ્રિક વાયરિંગ અને ઈન્સ્ટોલેશનમાં આગ લાગી હતી.
ફાયરબ્રિગેડે બંને આગ પર મોડેથી નિયંત્રણ મેળવ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. સદ્નસીબે બંને દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.



