દીકરીની હત્યા અને પત્નીને ગંભીર ઇજા પહોંચનારો બિહારમાં પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વજનદાર વસ્તુ ફટકારીને દીકરીની નિર્દયતાથી હત્યા અને પત્નીને ગંભીર ઇજા પહોંચી ફરાર થઈ ગયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે બિહારમાં પકડી પાડ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-8ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ મોહમ્મદ સુલેમાન રઝાક કુજરા (40) તરીકે થઈ હતી. વધુ તપાસ માટે આરોપીને વાકોલા પોલીસના તાબામાં સોંપાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારની રાતે સાંતાક્રુઝ પૂર્વમાં કલિના વિસ્તારમાંની શિવનગર ચાલમાં બની હતી. આરોપી કુજરા પત્ની અને સંતાનો સાથે ભાડેની રૂમમાં રહેતો હતો અને પેઈન્ટિંગનું કામ કરતો હતો.
આ પણ વાંચો: ખંડણી વસૂલવા મહિલાના સ્વાંગમાં વિધાનસભ્યને બ્લૅકમેઈલ કરનારો પકડાયો
ફરિયાદમાં જણાવાયું હતું કે 2002માં આરોપીનાં લગ્ન નસીમા સાથે થયાં હતાં. લગ્ન બાદ નસીમા વતનમાં રહેતી હતી, જ્યારે આરોપી મુંબઈમાં રહીને પેઈન્ટિંગનું કામ કરતો હતો. ત્રણ વર્ષ પહેલાં જ આરોપી પત્ની અને સંતાનોને સાંતાક્રુઝમાં રહેવા લઈ આવ્યો હતો.
દારૂ પીવાનું વ્યસન હોવાથી આરોપી વારંવાર ઝઘડા કરી પત્ની અને સંતાનોની મારઝૂડ કરતો હતો. કહેવાય છે કે ઘટનાની મોડી રાતે દંપતી વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. ગુસ્સામાં આરોપીએ પત્ની અને દીકરી અસગરી (14) પર વજનદાર વસ્તુથી પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં અસગરી ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી, જ્યારે પત્ની નસીમાને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: ગેરકાયદે રહેતો અફઘાન નાગરિક બનાવટી પાસપોર્ટ સાથે પકડાયો…
ઘટના બાદ આરોપી મોબાઈલ ફોન સ્વિચ ઑફ્ફ કરીને ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન આરોપી બિહારમાં તેના વતનમાં ગયો હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ બિહાર પહોંચી હતી.