આડા સંબંધનો ભયાનક અંજામ: મિત્રની હત્યા બાદ શબના ટુકડા કરી નાળામાં ફેંક્યા

લાશના ટુકડા ભરેલી ગૂણી દસેક દિવસે જૂહુ ચોપાટી પરથી મળી આવ્યા પછી કાંડનો પર્દાફાશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ત્રણ વર્ષથી ચાલતા આડા સંબંધનો ભયાનક અંજામ લાવતો હોય તેમ આરોપીએ મિત્રની કરપીણ હત્યા કર્યા બાદ લાશના ટુકડા ગૂણીમાં ભરી નાળામાં ફેંક્યા હતા. શબના ટુકડા ભરેલી ગૂણી દસેક દિવસ પછી જૂહુ ચોપાટી પરથી મળી આવતાં પોલીસે આ કાંડનો પર્દાફાશ કરી આરોપી પ્રેમીની ધરપકડ કરી હતી. હત્યાની જાણ હોવા છતાં મિસિંગની ફરિયાદ કરનારી મૃતકની પત્નીને પણ પોલીસે તાબામાં લઈ તપાસ હાથ ધરી હતી.
સાંતાક્રુઝ પોલીસના જણાવ્યા મુજબ સોમવારે જૂહુ ચોપાટી પરના લૅન્ડિંગ પૉઈન્ટ ખાતેથી પ્લાસ્ટિકની ગૂણીમાંથી અંદાજે 30 વર્ષના યુવાનના શબના ટુકડા મળી આવ્યા હતા. મૃતકની ઓળખ અશોક હરિલાલ ગૌડ તરીકે થયાના ગણતરીના કલાકોમાં ગુનો ઉકેલી આરોપી વાહિદ અલી મોહમ્મદ ઈસરાઈલ શેખ ઉર્ફે મિટ્ટુ (30)ની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ઘાટકોપરના નારાયણ નગરમાં રહેતો મિટ્ટુ મલાડ પશ્ર્ચિમના માલવણી વિસ્તારમાં આવેલા ગાર્મેન્ટના કારખાનામાં કામ કરતો હતો. એ જ પરિસરમાં કામ કરતા કાર્પેન્ટર અશોક ગૌડ સાથે તેની મિત્રતા થઈ હતી. પછી આરોપી મિટ્ટુ અશોકના ઘરે આવ-જા કરતો હોવાથી અશોકની પત્ની પ્રતિભા સાથે તેની ઓળખ થઈ હતી.
પૂછપરછમાં આરોપીએ દાવો કર્યો હતો કે લગભગ ત્રણ વર્ષથી પ્રતિભા સાથે તેને અફૅર હતું અને બન્ને લગ્ન કરવાનાં હતાં. જોકે આ સંબંધની જાણ પ્રતિભાના પતિ અશોકને થઈ હતી, જેને પગલે તેની હત્યા કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ પ્રતિભાને મળ્યા પછી આરોપીએ તેનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. બાદમાં બન્ને જણ ફોનથી સંપર્કમાં રહેતાં અને અશોકની જાણબહાર મળતાં પણ હતાં. ગયા મહિને અશોકે પત્ની અને મિટ્ટુને રંગેહાથ પકડ્યાં હતાં. પછી દંપતી વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો અને અશોકે તેની પત્નીથી દૂર રહેવાની ધમકી મિટ્ટુને આપી હતી.
તપાસમાં જણાયું હતું કે આરોપી મિટ્ટુ રાતના સમયે ગાર્મેન્ટના કારખાનામાં મોટે ભાગે એકલો રહેતો હતો. દસેક દિવસ અગાઉ કારખાનામાં અશોકને બોલાવીને આરોપીએ તીક્ષ્ણ હથિયારથી અનેક ઘા ઝીંકી તેમ જ ગળું ચીરી તેની હત્યા કરી હતી. બાદમાં મૃતદેહના ત્રણ ટુકડા કર્યા હતા. આ ટુકડા ગૂણીમાં ભરી માલવણીના નાળામાં ફેંક્યા હતા. આ નાળું મઢ બીચ સાથે જોડાતું હોવાથી લાશ ભરેલી ગૂણી વહેતી વહેતી જૂહુ પહોંચી હતી.
જૂહુને કિનારે અટકી ગયેલી ગૂણીમાંથી મૃતકનો હાથ બહાર નીકળી ગયો હતો, જેના પર વૉક માટે આવેલા એક રહેવાસીની નજર પડી હતી. તેણે તાત્કાલિક પોલીસ ક્ધટ્રોલ રૂમને જાણ કરી હતી. સાંતાક્રુઝ પોલીસે ઘટનાસ્થળે પહોંચી શબના ટુકડાને પોસ્ટમોર્ટમ માટે કૂપર હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગુમ થયેલી વ્યક્તિના રેકોર્ડની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે અશોકની પત્નીએ ચોથી ફેબ્રુઆરીએ માલવણી પોલીસ સ્ટેશનમાં અશોક ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. અશોક 29 જાન્યુઆરીથી ગુમ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.



