પરેલમાં ઝવેરીના 4.07 કરોડ રૂપિયાના દાગીના ચોરી ફરાર થયેલા કર્મચારી સહિત ત્રણ પકડાયા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પરેલમાં ઝવેરીના 4.07 કરોડ રૂપિયાના દાગીના ચોરી ફરાર થયેલા કર્મચારી સહિત ત્રણ પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
પરેલમાં ઝવેરીની દુકાનમાંથી 4.07 કરોડ રૂપિયાના દાગીના તથા રોકડ ચોરીને પલાયન થયેલા કર્મચારીને તેના બે સાથીદાર સાથે ભોઇવાડા પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ જીતુ નવારામ ચૌધરી (23), કમલેશ વાઘારામ ચૌધરી (26) અને ભરતકુમાર ઓટારામ ચૌધરી (38) તરીકે થઇ હોઇ તેમની પાસેથી મોટા ભાગની મતા હસ્તગત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પરેલ વિસ્તારમાં ડો. બી.એ. રોડ પર આવેલી એ. દલીચંદ જ્વેલર્સ નામની દુકાનમાં આરોપી જીતુ ચૌધરી છેલ્લા દસ દિવસથી નોકરી કરતો હતો. રાજસ્થાનના પાલી જિલ્લાના સાદડા ગામનો જીતુ અગાઉ પણ આ દુકાનમાં દસ મહિના કામ કરી ગયો હતો. જીતુનું મુંબઈમાં ઘર ન હોવાથી તે રાતના દુકાનમાં જ સૂતો હતો.

આ પણ વાંચો: હીરાવેપારી સાથે 1.81 કરોડ રૂપિયાની છેતરપિંડી: સુરતના ઝવેરી સામે ગુનો…

8 સપ્ટેમ્બરે બપોરે બે વાગ્યા બાદ દુકાન બંધ હોવાથી જીતુ દુકાનમાંની તિજોરીને ડુપ્લિકેટ ચાવીથી ખોલીને 4.07 કરોડના દાગીના તથા રોકડ ચોરીને પલાયન થઇ ગયો હતો. દુકાનના માલિક બીજે દિવસે સવારે દુકાનમાં આવ્યા ત્યારે જીતુ ત્યાં હાજર નહોતા. માલિકે તિજોરી તપાસતાં તેમાં રાખેલા દાગીના પણ ગાયબ હતા. જીતુની શોધ ચલાવ્યા છતાં તે મળી ન આવતાં માલિકને ખાતરી થઇ હતી કે જીતુ દાગીના ચોરી છૂ થયો છે. આથી માલિકે ભોઇવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરાયો હતો.

જીતુ રાજસ્થાનના પાલી જિલ્લાનો વતની હોવાથી પોલીસની ટીમ ત્યાં રવાના કરવામાં આવી હતી. બીજી તરફ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ કેસની સમાંતર તપાસ કરી રહી હતી. પોલીસ ટીમે રાજસ્થાનમાં તપાસ આદરી હતી અને આખરે મળેલી માહિતીને આધારે જીતુને તાબામાં લીધો હતો. જીતુના બે સાથીદારને પણ બાદમાં ધરપકડ કરાઇ હતી.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button