મુંબઈ ઠંડુગાર!! તાપમાનનો પારો ૧૭.૫ ડિગ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા શનિવારે વહેલી સવારે શિયાળાની ફૂલગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. શનિવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૭.૫ ડિગ્રી જેટલો નીચું તો કોલાબામાં ૨૦ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. શનિવારનો દિવસ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. ઠંડીની સાથે જ મુંબઈમાં વહેલી સવારના ધુમ્મસનું પ્રમાણ પણ વધુ રહેવાથી વિઝિબિલિટી પણ ઓછી રહી હતી. આગામી દિવસમાં તાપમાનના પારામાં હજી ઘટાડો થવાની શક્યતા છે.
મુંબઈગરા આતુરતાથી શિયાળાની કડકડતી ઠંડી પડવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી મુંબઈમાં લઘુતમ તાપમાનનો પારો સતત નીચે ઉતરી રહ્યો છે. શુક્રવારે મુંબઈમાં લઘુતમ તાપમાન ૧૮.૫ ડિગ્રી નોંધાયા બાદ ૨૪ કલાકમાં જ તેમાં હજી ઘટાડો થઈને શનિવારે લઘુતમ તાપમાન ૧૭.૫ ડિગ્રી નોંધાયું હતું. શનિવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૨૯.૨ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૧.૫ ડિગ્રી નોંધાયું હતું.
શનિવારનો દિવસ શિયાળાની મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જોકે આ અગાઉ મુંબઈમાં જાન્યુઆરીમાં ૧૦ ડિગ્રી સુધી નીચું તાપમાન પણ નોંધાયું છે. આ અગાઉ ૧૨ જાન્યુઆરી, ૨૦૧૩માં ૧૦.૪ ડિગ્રી અને ૨૪ જાન્યુઆરી, ૨૦૧૭માં ૧૧.૯ ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નોંધાયું હતું.
મુંબઈમાં ત્રણ-ચાર દિવસથી ઠંડી જણાઈ રહી છે ત્યારે ભારતીય હવામાન ખાતાએ રવિવારે મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી સુધી અને લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તો સવારના સમયે ધુમ્મસ અને બપોરથી સાંજ સુધી વાદળિયું વાતાવરણ રહેવાની શક્તતા વ્યક્ત કરી છે. તો આગામી દિવસમાં તાપમાનમાં હજી હળવો ઘટાડો થવાની શક્યતા પણ હવામાન ખાતાએ વ્યક્ત કરી હતી.
રાજ્યમાં પણ અનેક જિલ્લામાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી મધ્ય મહારાષ્ટ્રના નાશિકમાં રહી હતી. અહીં લઘુતમ તાપમાન ૧૩.૫ ડિગ્રી, હિલ સ્ટેશન મહાબળેશ્ર્વર ૧૪.૧ ડિગ્રી, પુણેમાં ૧૪.૬ ડિગ્રી નોંધાઈ હતી. જોકે રાજ્યના અમુક જિલ્લામાં કમોસમી વરસાદના ઝાપટા પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. ૮ થી ૯ જાન્યુઆરીએ પાલઘર અને રાયગઢમાં હળવો વરસાદ પડી શકે છે.