મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટે નોંધાવ્યો આ વિક્રમઃ ગલ્ફના દેશોમાં જનારાની સંખ્યા વધી
મુંબઈ: દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2023ના ડિસેમ્બરમાં પ્રવાસીઓના અવરજવરની સંખ્યામાં 112 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. 2019ના ડિસેમ્બર મહિનામાં પ્રવાસીઓની સંખ્યા 4.37 કરોડ નોંધાઈ હતી. આ એરપોર્ટના સૌથી વધુ પેસેન્જર ટ્રાફિક હતો, જ્યારે ગલ્ફના દેશોમાં અવરજવર કરનારા લોકોની સંખ્યા વધુ હોવાનું અહેવાલમાં જણાવ્યું હતું.
ગયા વર્ષે મુંબઈ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક રિપોર્ટમાં સૌથી વધુ અવરજવર ડિસેમ્બરમાં નોંધાઈ હતી. ડિસેમ્બર 2023માં સૌથી વધુ 4.88 કરોડ પ્રવાસીએ આ એરપોર્ટથી મુસાફરી કરી હતી, જ્યારે 2022માં 4.33 કરોડ હતી, જેમાં 13 ટકાનો વધારો થયો છે.
એરપોર્ટ પ્રશાસનના અહેવાલમાં જણાવ્યું છે કે ગયા વર્ષે 16મી ડિસેમ્બરના એક દિવસ દરમિયાન કુલ 165,258 પ્રવાસીઓએ મુંબઈ એરપોર્ટ પરથી પ્રવાસ કર્યો હતો. એક દિવસમાં કુલ 84,166 પ્રવાસીઓ મુંબઈ એરપોર્ટ પર આવ્યા હતા અને 81,092 પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ પરથી પ્રસ્થાન કર્યું હતું.
મુંબઈના એરપોર્ટ પરથી મુસાફરી કરનાર પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 2023ના ડિસેમ્બરમાં મુંબઈ એરપોર્ટ પરથી ગલ્ફ દેશ જનારા પ્રવાસીઓની સંખ્યા 47 ટકા હતી, ત્યારબાદ એશિયા પેસિફિક વિસ્તારમાં 28 ટકા અને સૌથી ઓછા 15 ટકા યુરોપમાં પ્રવાસીઓએ મુંબઈ એરપોર્ટ પરથી પ્રવાસ કર્યો હતો. આ સાથે દિલ્હી, બેંગલોર અને ગોવા જવા માટે મુંબઈ એરપોર્ટથી સૌથી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી હતી અને ત્યાર બાદ દુબઈ, લંડન અને આબુ ધાબી વગેરે સ્થળોએ જતાં પ્રવાસીઓની સંખ્યા પણ સૌથી વધારે હતી.
ડિસેમ્બરમાં મુંબઈથી દિલ્હી કોરિડોરમાં 6,22,424 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. ડોમેસ્ટિક માર્ગની સાથે સાથે આંતરરાષ્ટ્રીય માર્ગમાં દેશની ઈન્ડિગો, એર ઈન્ડિયા અને વિસ્તારા આ એવિએશન કંપનીઓ ટોચે રહી હતી. ડિસેમ્બર 2023માં નોંધાયેલી પ્રવાસીઓની સંખ્યાને લીધે મુંબઈ એરપોર્ટની લોકપ્રિયતા દર્શાવે છે. મુંબઈના આ એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં એરપોર્ટ પ્રશાસન દ્વારા નવા સ્થળો સુધી મુસાફરીની સેવા સાથે પર્યટકોને વધુ સારી સુવિધા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.