આમચી મુંબઈ

ગેટવે ઑફ ઈન્ડિયા પાસેની ફાઈવ સ્ટાર હોટેલની રૂમમાંથી 26 લાખની મતા ચોરાઈ: બે પકડાયા…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: દક્ષિણ મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયા પાસેની ફાઈવ સ્ટાર હોટેલની રૂમમાંથી તબીબી સારવાર માટે અમેરિકાથી આવેલા નાગરિકની અંદાજે 26 લાખની મતા ચોરવા પ્રકરણે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. ખરીદી માટે માર્ગદર્શન કરવાને બહાને ફરિયાદી સાથે ત્રણ દિવસ ફર્યા પછી આરોપીએ હાથફેરો કર્યો હોવાનું તપાસમાં જણાયું હતું.

કોલાબા પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ હુસેન હમીદ સૈયદ (35) અને કિરણ ઠાકુર (54) તરીકે થઈ હતી. આરોપી સૈયદ પાસેથી ફરિયાદીની એક લાખ રૂપિયાની રિસ્ટ વૉચ જપ્ત કરવામાં આવી હતી. કોર્ટે બન્નેને 20 નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે.

પોલીસ ફરિયાદ અનુસાર અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં રહેતો 48 વર્ષનો વેપારી તબીબી સારવાર માટે જૂન, 2025માં ભારત આવ્યો હતો. દક્ષિણ મુંબઈની બેથી ત્રણ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલો ફરિયાદી હાલમાં ગેટવે ઑફ ઈન્ડિયા પાસેની એક ફાઈવ સ્ટાર હોટેલમાં રહેતો હતો. ફરિયાદીને કપડાં-પરફ્યૂમ જેવી વસ્તુઓ ખરીદવી હોવાથી તેણે ડ્રાઈવર કિરણ ઠાકુરને પૂછ્યું હતું. કિરણે ફરિયાદીની ઓળખ સૈયદ સાથે કરાવી હતી.

ફરિયાદમાં જણાવાયું હતું કે સૈયદ ખરીદીમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે, એવું કિરણે ફરિયાદીને કહ્યું હતું. ત્રણ દિવસ ફરિયાદી સૈયદ સાથે દક્ષિણ મુંબઈનાં વિવિધ સ્થળે ખરીદી માટે ફર્યો હતો. સોમવારે બપોરે બે વાગ્યાની આસપાસ ખરીદી કરી ફરિયાદી હોટેલની રૂમમાં આરામ કરવા ગયો ત્યારે સૈયદ પણ તેની સાથે ગયો હતો. માંદગીને કારણે ઊંઘ આવતી હોવાથી સૈયદને જવાનું કહીને ફરિયાદી ઊંઘી ગયો હતો.

કહેવાય છે કે કલાક પછી ફરિયાદી ઊંઘમાંથી જાગ્યો ત્યારે તેની કીમતી વસ્તુઓ ગુમ હોવાનું જણાયું હતું. રૂમમાંથી 15 લાખ રૂપિયાનું રુબી ડાયમંડ્સ જડેલું સોનાનું બ્રેસલેટ, 10 લાખ રૂપિયાની ડાયમંડના પેન્ડન્ટવાળી સોનાની ચેન અને એક લાખ રૂપિયાની કાંડાઘડિયાળ ચોરાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ પ્રકરણે ફરિયાદીએ કોલાબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ડ્રાઈવર કિરણ અને સૈયદ પર શંકા વ્યક્ત કરી હતી.

પોલીસે પ્રાથમિક તપાસ બાદ કિરણને તાબામાં લીધો હતો. તેણે આપેલી માહિતી પરથી સૈયદને પકડી પાડ્યો હતો. સૈયદ ચોરેલી એક લાખ રૂપિયાની ઘડિયાળ પહેરીને ફરતો હતો, જેની હસ્તગત કરાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button