રાજ્યની 27 મહિલા હોસ્ટેલ થશે CCTV કેમેરાથી સજ્જ: મહિલા સુરક્ષા માટેના પગલા લેવાશે….
મુંબઇ: દક્ષિણ મુંબઇની સરકારી હોસ્ટેલમાં બળાત્કાર અને હત્યાના બનાવના પાંચ મહિના બાદ રાજ્ય સરકાર દ્વારા મહારાષ્ટ્રની 27 સરકારી હોસ્ટેલમાં CCTV કેમેરા લગાવવા માટે પરવાનગી આપી છે. આ કામ માટે રાજ્ય સરકાર દ્વારા 3.85 કરોડનું ફંડ મંજૂર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્ય સરકારે આ હોસ્ટેલ્સમાં લેબર વિભાગના માધ્યમથી ખાલી પડેલી જગ્યાએ સ્ટાફની ભરતીને પણ મંજૂરી આપી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ચર્નિ રોડ ખાતે આવેલ સાવિત્રીદેવી ફૂલે વુમન્સ હોસ્ટેલ ગયા જૂન મહિનામાં ચર્ચામાં આવ્યું હતું જ્યારે અહીં એક જૂના કર્મચારીએ 18 વર્ષની વિદ્યાર્થીની સાથે બળાત્કાર બાદ તેની હત્યા કરી હતી. આ બનાવની તપાસ કરતી વખતે ખ્યાલ આવ્યો હતો કે, આ હોસ્ટેલમાં માત્ર એન્ટરન્સમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. ત્યાર બાદ બનાવ અંગેની કોઇ પણ ઘટનાના પુરાવા મળી શકે એવી જગ્યાએ કેમેરા લગાવવામાં આવ્યા ન હતાં.
આ બનાવ બાદ સરકારી હોસ્ટેલમાં મહિલાઓની સુરક્ષાને લઇને નિર્ણયો લેવા માટે બે કિમીટી બનાવવામાં આવી હતી. કમિટી દ્વારા તમામ સરકારી હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા નાંખવા, કર્મચારીઓની ખાલી પડેલી બેઠકો સરકારના લેબર ડિપાર્ટમેન્ટના માધ્યમથી ભરવી તથા દરેક પ્રિમાઇસમાં એક મહિલા સિક્યોરિટી ગાર્ડ હોવી જોઇએ તેવી ભલામણ કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા સાવિત્રીદેવી ફૂલે સરકારી હોસ્ટેલમાં આઠ માળની ડોરમેટરી બનાવવા માટે 89 કરોડ રુપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. બલાત્કાર અને હત્યાના બનાવ બાદ આ હોસ્ટેલ ખાલી કરાવી મહિલાઓને અન્ય સ્થળે શીફ્ટ કરવામાં આવી હતી.