આમચી મુંબઈ

સ્પીડમાં દોડતી કાર સાથે યુવાનોના સ્ટન્ટનો વીડિયો વાયરલ: ત્રણ પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ચેમ્બુર નજીક પૂરપાટ વેગે દોડતી કાર સાથે યુવાનોના સ્ટન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે ગુનો નોંધી ત્રણ જણને પકડી પાડ્યા હતા.

આરસીએફ પોલીસે તાબામાં લીધેલા ત્રણેય યુવાનની ઓળખ અદનાન મોહમ્મદ ઈસા ખાન (20), મુકીમ બશીર ખાન (22) અને ઝુનેદ અવાદઅલી ખાન (20) તરીકે થઈ હતી. ટૅક્સી ચલાવનારા ત્રણેય યુવાન ગોવંડીના રહેવાસી હોવાનું પોલીસનું કહેવું છે.

અધિકારીના જણાવ્યા મુજબ સોશિયલ મીડિયા ‘એક્સ’ પરના પોલીસના અધિૃત એકાઉન્ટ પર મંગળવારની રાતે એક યુવાને વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયો સાથે તેણે મુંબઈમાં રહેતા યુવકો કઈ રીતે કાર પર જીવલેણ સ્ટન્ટ કરી રહ્યા છે… માત્ર મોજ ખાતર આ યુવકો પોતાના અને બીજાના જીવને જોખમમાં નાખી રહ્યા છે… આશા છે કે મુંબઈ પોલીસ પોતાની રીતે આ લોકોને મજા કરાવશે! એવા મતલબનું લખાણ લખ્યું હતું.

પોલીસે વીડિયો જોતાં રસ્તા પરથી પૂરપાટ વેગે દોડતી કાર નજરે પડી હતી. કારના દરવાજાથી ત્રણ યુવક બહાર નીકળીને જ્યારે કાર ચલાવી રહેલો યુવક હાથ બહાર કાઢીને સ્ટન્ટ કરતા નજરે પડ્યા હતા. આ યુવકોનું વીડિયો રેકોર્ડિંગ બાજુમાં દોડતી બીજી કારમાંથી કરવામાં આવી રહ્યું હતું. બીજી કારમાંથી પણ એક યુવક બહાર નીકળીને સ્ટન્ટ કરતો વીડિયોમાં દેખાય છે.

વીડિયોને ગંભીરતાથી લઈ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. સંબંધિત વીડિયો ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ચેમ્બુર નજીક શિવાજી નગર પાસેનો હોવાનું તપાસમાં જણાયું હતું. વીડિયોમાં કારની નંબર પ્લૅટ કેદ થયો હતો. પોલીસે રજિસ્ટ્રેશન નંબરને આધારે કારને શોધી કાઢી હતી. આ પ્રકરણે આરસીએફ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 125 અને 3(5) તેમ જ મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ત્રણ યુવકને શોધી કાઢ્યા હતા, જ્યારે તેમના સાથીઓની શોધ ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button