મુંબઇમાં મ્હાડાની ઇમારતમાં ભીષણ આગ: 135 લોકોને સલામત રીતે બચાવાયા
મુંબઇ: મુંબઇની એક બહુમાળી ઇમારતમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ભાયખળા પૂર્વના ઘોડપદેવ વિસ્તારના મ્હાડાના પરિસરમાં આવેલ ન્યુ હિંદ મિલ કંપાઉન્ડના 3 સી આ 24 માળની ઇમારતમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ ઇમારતમાં ફસાયેલા 135 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતાં. ફાયર બ્રિગેડના અથાગ પ્રયાસો બાદ સવારે 7:20 વાગે આગ કાબૂમાં આવી હતી.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ઇમારતના ત્રીજા માળ પર વહેલી સવારે 3:40 વાગે આગ લાગી હતી. આ ઇમારતમાં મીલમાં કામ કરનારા લોકો અને સંક્રમણ શિબીરના રહેવાસીઓ રહે છે. મુંબઇ મહાનગરપાલિકામાંથી મળતી વિગતો મુજબ એક થી 24 માળ પર કચરાના ડક્ટમાં આવેલ ઇલેક્ટ્રીક મીટર કેબિન વાયરીંગ, કેબલ, કચરો અને અન્ય વસ્તુંઓમાં આગ લાગી હતી.
આગ લાગતાં 135માંથી 25ને ઇમારતના ટેરેસ પરથી, 30 લોકોને 15માં માળ પર આવેલ આશ્રયસ્થાન પરથી અને 80 લોકોને 22માં માળ પર આવેલ આશ્રયસ્થાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની પાંચ ગાડી, પાણીના ત્રણ ટેન્કર અને ફાયર બ્રિગેડની અન્ય ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. વહેલી સવારે 3:40 વાગે લાગેલી આગ સવારે 7:20 વાગે ઓલવવામાં આવી હતી.
સવારે અમે ગાઢ નિંદ્રામાં હતાં ત્યારે જ ધૂમાડા નિકળવા લાગ્યા હતાં. અમને કંઇ સમજાય તે પહેલાં જ આખી ઇમારતમાં ધૂમાડો ફેલાઇ ગયો હતો. જેને કારણે લોકો ડરી ગયા હતાં. આગની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી. જોકે આ દ્રષ્ય જોઇને હજી ઘણાં લોકોને ડર લાગી રહ્યો છે. મ્હાડાની ઇમારતમાં આગ લાગી શકે તો સામાન્ય લોકો ક્યાં સુરક્ષીત રહી શકે છે? એવો પ્રશ્ન આ જ ઇમારતમાં રહેતાં દેવેન્દ્ર કાંબળીએ પૂછ્યો હતો.