આતંકવાદી હુમલાનો સામનો કરવા મુંબઈ કેટલું સજ્જ?: અધિકારીઓએ સુરક્ષા સમીક્ષા કરી…

બીજે દિવસે પણ મુંબઈનાં મુખ્ય રેલવે સ્ટેશનોએ સઘન તપાસ: ડૉગ સ્ક્વોડની મદદ લેવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કારમાં થયેલા બ્લાસ્ટ બાદ મુંબઈમાં હાઈ ઍલર્ટ જાહેર કરવામાં આવતાં પોલીસે સુરક્ષાવ્યવસ્થા માટે જાણે કવાયત શરૂ કરી હતી. મુંબઈમાં ફરી આતંકવાદી હુમલો થાય તો સુરક્ષા એજન્સીઓ કેટલી સજ્જ છે એ જાણવા વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ મંગળવારે ‘સુરક્ષા સમીક્ષા’ હાથ ધરી હતી. બીજી તરફ, પ્રવાસીઓની ભીડવાળાં મુખ્ય રેલવે સ્ટેશનો પર ડૉગ સ્ક્વોડની મદદથી રેલવે પોલીસે પણ સઘન તપાસ ચાલુ રાખી હતી.
દિલ્હીના શક્તિશાળી વિસ્ફોટને પગલે આખા રાજ્યમાં પોલીસને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી હતી. મુંબઈ આતંકવાદીઓનું હંમેશાં ટાર્ગેટ રહ્યું હોવાથી તેની સુરક્ષા માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. બ્લાસ્ટની માહિતી મળતાં જ મુંબઈની સુરક્ષાવ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. આ જ અંગે મંગળવારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ખાસ મીટિંગ થઈ હતી, જેમાં લૉ ઍન્ડ ઑર્ડર, ક્રાઈમ અને ઈન્ટેલિજન્સના અધિકારીઓ હાજર હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈમાં આતંકી હુમલો થાય તો સુરક્ષાવ્યવસ્થા કેવી છે તેની જાણકારી મેળવવા માટે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ‘સુરક્ષા સમીક્ષા’ કરાઈ હતી. એ સિવાય બધી એજન્સીઓ વચ્ચેના સંકલનની પણ ચર્ચા થઈ હતી. આ બધા મુદ્દાનો અભ્યાસ કરીને પોલીસ કમિશનરને સોંપવામાં આવશે.

દરમિયાન સોમવારની સાંજથી જ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દ્વારા રેલવે સ્ટેશનો પણ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું, જે મંગળવારે પણ ચાલુ રાખવામાં આવ્યું હતું. ડૉગ સ્ક્વોડ અને બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી મુખ્ય રેલવે સ્ટેશનો પણ તપાસ કરવામાં આવી રહી છે.
રેલવેના અધિકારીના જણાવ્યા મુજબ સેન્ટ્રલ રેલવેનાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર, લોકમાન્ય ટિળક ટર્મિનસ, થાણે, કલ્યાણ, પનવેલ અને અન્ય મુખ્ય સ્ટેશનો તેમ જ વેસ્ટર્ન રેલવેનાં ચર્ચગેટ, મુંબઈ સેન્ટ્રલ, બાન્દ્રા ટર્મિનસ, બોરીવલી, વસઈ અને અન્ય સ્ટેશનોની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

આરપીએફ અને જીઆરપી દ્વારા ટ્રેનો અન પ્લૅટફોર્મ પર ચકાસણી કરવામાં આવી રહી છે. મુંબઈ બહારથી આવેલાં પાર્સલ અને પ્રવાસીઓના સામાન પર બારીક નજર રખાઈ રહી છે. સ્થાનિક પોલીસ સાથે સમન્વય સાધીને સુરક્ષા ગોઠવવામાં આવી હોવાનું અધિકારીનું કહેવું છે.



