મુંબઈમાં મોસમનો સરેરાશ ૩,૦૦૦ મિ.મી.થી વધુ વરસાદ…

કોલાબામાં છેલ્લાં પાંચ વર્ષનો બીજો હાઈએસ્ટ વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એક તરફ દેશમાંથી ચોમાસું સત્તાવાર રીતે વિદાય લઈ રહ્યું છે ત્યારે મુંબઈ સહિત રાજ્યમાં વરસાદ થમવાનું નામ લેતો નથી. રવિવારના મુંબઈમાં રેડ અલર્ટની ચેતવણી હોઈ આખો દિવસ ભારે વરસાદ પડયો હતો, જોકે રવિવારની રજા હોવાથી મોટાભાગના મુંબઈગરએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.
આ દરમ્યાન શનિવાર રાતથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે મુંબઈમાં મોસમનો સરેરાશ વરસાદ ૩,૦૦૦ મિ.મી.ને પાર કરી ગયો છે. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના સાંજના ૫.૩૦ વાગ્યા સુધીમાં મુંબઈમાં સાંતાક્રુઝમાં ૩,૦૭૭ મિ.મી. વરસાદ નોંધાઈ ચૂકયો છે. તો કોલાબામાં નોંધાયેલો ૧૨૦.૮ મિ.મી.નો વરસાદ સપ્ટેમ્બરનો છેલ્લા પાંચ વર્ષનો બીજા નંબરનો હાઈએસ્ટ વરસાદ રહ્યો હતો.
મુંબઈમાં શનિવાર માટે ઓરેન્જ અલર્ટની ચેતવણી આપવામાં આવી હતી પણ દિવસ આખો છૂટોછવાયો રહ્યા બાદ મોડી રાતથી શરૂ થયેલો વરસાદ આખી રાત પડયો હતો. રાતના ભારે વરસાદને પગલે રવિવારના વહેલી સવારના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા પણ બાદમાં સવારના સમયે વરસાદનું જોર થોડું હળવું થતા પાણી ઓસરી ગયા હતા.
એ બાદ જોકે દિવસના સમયે પવન ફૂંકાવાની સાથે ફરી વરસાદ પડવાનું ચાલુ રહ્યું હતું. રાતભરના વરસાદને પગલે સવારના સમયે અમુક કલાક માટે અંધેરી સબ-વેને પાણી ભરાઈ જતા તેને વાહનવ્યહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદ વચ્ચે પણ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનો ચાલુ રહી હતી.
પાલિકા પ્રશાસને કરેલા દાવા મુજબ મુંબઈ માટે રેડ અલર્ટની ચેતવણી હોઈ તમામ અધિકારી અને કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી હતી. ભારે વરસાદને પગલે, ઘર અને ઝાડ તૂટી પડવાના અમુક બનાવ નોંધાયા હતા. નીચાણવાળા વિસ્તારમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના પમ્પિંગ મશીનને ૨૪ કલાક ચાલુ રાખવામાં આવ્યા હતા. પમ્પિંગની મદદથી વરસાદી પાણીનો સતત નીકાલ કરવામાં આવી રહ્યો હતો.
ભારે વરસાદ હોવા છતાં હિંદમાતા, ગાંધી માર્કેટ, ચુનાભટ્ટી, મલાડ સબ-વે, દહિસર સબ-વે, માનખુર્દ સબ-વે દિવસ દરમ્યાન ચાલુ રહ્યા હતા. શનિવાર રાતથી રવિવાર સવાર સુધીના સમયગાળામાં ભારે વરસાદ પડયો હતો. વહેલી સવારના ખાસ કરીને પાંચથી છ વાગ્યા સુધીમાં ભારે વરસાદ રહ્યો હતો. જોકે રવિવાર સવારથી સાંજનાા ૫.૩૦ વાગ્યા સુધીના સમયગાળામાં દક્ષિણ મુંબઈની સરખામણીમાં ઉપનગરમાં વરસાદનું જોર વધું રહ્યું હતું.
૩૩ કલાકમાં કોલાબામાં નવ ઈંચ વરસાદ
શનિવાર સવારના ૮.૩૦ વાગ્યાથી રવિવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીના સમયગાળામાં કોલાબામાં ૧૨૦.૮ મિ.મી. અને સાંતાક્રુઝમાં ૮૩.૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો. તો શનિવાર સવારના ૮.૩૦ વાગ્યાથી રવિવાર સાંજના ૫.૩૦ વાગ્યા સુધીના ૩૩ કલાકમાં કોલાબામાં ૨૧૪ મિ.મી. (નવ ઈંચ) વરસાદ નોંધાયો હતો, જેમાં રવિવાર સવારના ૮.૩૦ વાગ્યા સુધીમાં ૧૨૦.૮ મિ.મી. વરસાદ નોંધાયો હતો. એ બાદ સાંજના ૫.૩૦ વાગ્યા સુધીના નવ કલાકમાં ૯૩.૨ મિ.મી. જેટલો વરસાદ પડતા કુલ મળીને ૨૦૦ મિ.મી. આંકડાને પાર કરી ગયો હતો.
મોસમનો કુલ વરસાદ ૩,૦૦૦ મિ.મી.ને પાર
મુંબઈમાં મોસમનો સરેરાશ વરસાદ ૩,૦૦૦ મિ.મી. પાર કરી ગયો છે. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના સવારના ૮.૩૦ વાગ્યા સુધીમાં મુંબઈમાં ૩,૦૨૨.૯ મિ.મી. વરસાદ નોંધાયો હતો. સાંજ સુધીમાં મોસમનો કુલ વરસાદનો આંકડો ૩,૦૭૭ મિ.મી.એ પહોંચી ગયો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષમાં જૂનમાં ૫૧૨.૭ મિ.મી., જુલાઈમાં ૭૯૭.૩ મિ.મી., ઑગસ્ટમાં ૧,૧૮૮.૮ મિ.મી. વરસાદ પડયો છે. તો ૨૮ સપ્ટેમ્બરના સવારના ૮.૩૦ વાગ્યા સુધીમાં ૫૨૪.૧ મિ.મી. વરસાદ નોંધાઈ ચૂકયો છે. સપ્ટેમ્બર મહિનામાં સરેરાશ ૩૮૩.૫ મિ.મી. વરસાદ પડતો હોય છે પણ તેની સામે આ વર્ષે ૨૦ સપ્ટેમ્બરના જ માસિક સરેરાશ વરસાદના આંકડાને પાર કરી ગયો હતો.
કોલાબામાં છેલ્લા પાંચ વર્ષનો હાઈએસ્ટ
શનિવારથી રવિવાર સવાર સુધીમાં દક્ષિણ મુંબઈમાં વરસાદનું જોર વધારે હતું. રવિવાર સવારના ૨૪ કલાક દરમ્યાન કોલાબામાં ૧૨૦.૮ મિ.મી. (પોણા પાંચ ઈંચ) વરસાદ નોંધાયો હતો, તે છેલ્લા પાંચ વર્ષમાં બીજા નંબરનો સૌથી હાઈએસ્ટ વરસાદ છે. અગાઉ ૨૦૨૧માં ૭૦ મિ.મી., ૨૦૨૨ની સાલમાં ૫૯.૨ મિ.મી., ૨૦૨૩ની સાલમાં ૮૨.૦ મિ.મી. અને ૨૦૨૪ની સાલમાં ૧૬૯.૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
સૌથી વધુ વરસાદ દિંડોશીમાં
સવારના આઠ વાગ્યાથી સાંજના ૫ાંચ વાગ્યા સુધીના સમયગાળામાં સૌથી વધુ વરસાદ પશ્ર્ચિમ ઉપનગરના દિંડોશીમાં ૧૦૨ મિ.મી. નોંધાયો હતો. એ બાદ મલાડમાં ૧૦૧ મિ.મી., બોરીવલીમાં ૯૭ મિ.મી., માલવણીમાં ૯૫ મિ.મી., માગાઠાણેમાં ૯૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો. દક્ષિણ મુંબઈમાં ભાયખલામાં ૯૫ મિ.મી., વડાલામાં ૮૪ મિ.મી., અને માટુંગામાં ૮૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. પૂર્વ ઉપનગરમાં પવઈમાં ૮૪ મિ.મી., મુલુંડમાં ૮૦ મિ.મી. અને ચેંબુરમાં ૭૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો. નવી મુંબઈમાં ઐરોલીમાં ૧૬૧ મિ.મી., નેરુલમાં ૧૩૦ મિ.મી., બેલાપુરમાં ૧૨૭ મિ.મી. અને વાશીમાં ૧૧૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
મુંબઈ થાણેમાં ઓરેન્જ અલર્ટ
સોમવાર, ૨૯ સપ્ટેમ્બરના મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ જિલ્લા માટે ઓરેન્જ અલર્ટની ચેતવણી આપીને ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ૩૦ સપ્ટેમ્બર, મંગળવારના મુંબઈ, થાણે , પાલઘર અને રાયગડમાં યલો અલર્ટ તો પહેલી અને બીજી ઓક્ટોબરના મુંબઈ, થાણે, પાલધર અને રાયગડમાં મધ્યમથી હળવો વરસાદ પડશે.
૩૦ સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હવામાન પ્રવૃત્તિ પશ્ર્ચિમ વિદર્ભ પર નબળા પડી રહેલા ડિપ્રેશન સાથે જોડાયેલી છે, જે પશ્ર્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને પહેલી ઑક્ટોબર સુધીમાં ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેશર વિસ્તારમાં સ્થાયી થવાની ધારણા છે. તેના પ્રભાવ હેઠળ ૩૦ સપ્ટેમ્બર સુધી સમગ્ર મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટનો સમાવેેશ થાય છે.