મુંબઈમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર!
હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ, કલાકના 30 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે...

મુંબઈઃ મુંબઈ, થાણે, નવી મુંબઈમાં ફરી આજે જોરદાર વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈ હવામાન વિભાગે પણ એલર્ટ જારી કર્યું છે. જો મુંબઈમાં સતત વરસાદ પડતો રહ્યો તો મુંબઈની લોકલ ટ્રેનસેવા પર અસર થઈ શકે છે.
મુંબઈની લોકલ ટ્રેન સહિત જાહેર પરિવહનની ગતિ પણ ધીમી પડી છે. ઉપરાંત, રસ્તાઓ પર પણ પાણી ભરાવવાને કારણે વાહન વ્યવહારનો ટ્રાફિક પણ ધીમો પડ્યો છે. ભાદરવા મહિનામાં શ્રાવણ મહિના જેવા હાલ મુંબઈના થયા છે. આજે વહેલી સવારથી ભારે વરસાદને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારો વરસાદી પાણીથી જળબંબાકાર બન્યા છે.
લોકલ ટ્રેનની શું છે હાલત?
આજે મુશળધાર વરસાદને કારણે મુંબઈમાં અંધેરી સબવે નજીક એકથી બે ફૂટ પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, જ્યારે મધ્ય રેલવેમાં પણ લોકલ ટ્રેનની સર્વિસ પણ દસથી પંદર મિનિટ મોડી દોડી રહી છે. ભારે વરસાદ છતાં પશ્ચિમ રેલવેની ટ્રેનસેવા રાબેતા મુજબ ચાલુ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈમાં અંધેરી, દાદર, સાયન, કુર્લા, કિંગ સર્કલ, બાંદ્રામાં ખાસ કરીને પાણી ભરાઈ શકે છે. એલ્ફિન્સ્ટન બ્રિજ બંધ કરવાની સાથે અન્ય વિસ્તારોમાં રસ્તાઓના કામકાજ ચાલી રહ્યા હોવાથી વાહન વ્યવહારને પણ અસર થઈ છે.
ઉપરાંત, મોનો રેલમાં પણ ટેક્નિકલ ખામીને કારણે બીજી ટ્રેન મારફત પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. અઠવાડિયાના પહેલા દિવસે કામકાજ અર્થે નીકળેલા મુંબઈગરાઓને અવરજવર કરવામાં આજે હાલાકી પડી શકે છે.
સાત જિલ્લામાં ભારે વરસાદ પડશે
હવામાન વિભાગે જણાવ્યું છે કે મહારાષ્ટ્રના સાત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે, જેમાં મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર, સિંધુદુર્ગ, ધુળે અને રત્નાગિરિનો સમાવેશ થાય છે.
ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે. આજે ભારે વરસાદ પડવાને કારણે લોકોએ સાવધાની રાખવાનું હિતાવહ રહેશે. દક્ષિણ મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 150 મિલિમીટરથી વધુ વરસાદ નોંધાયો છે.
કલાકના 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગના અહેવાલ અનુસાર પાલઘર, થાણે, મુંબઈ, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ અને ધુળેમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડશે, જ્યારે કલાકના 30થી 40 કિલોમીટરની રફતારથી પવન ફૂંકાશે.
અઢારમી સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે આગામી બે દિવસ રાયગઢ અને રત્નાગિરિમાં ભારે વરસાદ પડશે, એમ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો…ગણેશોત્સવ બાદ હવે નવરાત્રીમાં પણ વરસાદનું ગ્રહણ