મુંબઈમાં વરસાદનો વિક્રમ: ચાર દિવસમાં ૨૦ ઈંચ વરસાદ, આઠ કલાકમાં સાત ઈંચ વરસાદ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈમાં વરસાદનો વિક્રમ: ચાર દિવસમાં ૨૦ ઈંચ વરસાદ, આઠ કલાકમાં સાત ઈંચ વરસાદ

ચાલુ મોસમમાં પહેલી વખત સળંગ બે દિવસ મુંબઈમાં રેડ અલર્ટ સ્કૂલ, કોલેજમાં મંગળવારે રજા


(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: વરસાદે ફરી એક વખત મુંબઈને ઘમરોળી નાંખ્યું હતું. સોમવારે સવારથી બપોર સુધીમાં મુંબઈમાં મુશળધાર વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. રેલવે, વિમાન સેવા સહિત રોડ સર્વિસને ફટકો પડયો હતો. નવ કલાકના ગાળામાં અનેક વિસ્તારમાં ૧૦૦ સેન્ટીમીટરથી પણ વધારે વરસાદ પડયો હતો. તો મુંબઈમાં છેલ્લા ૯૬ કલાકમાં ૫૦૦ મિલીમીટર (૨૦ ઈંચ) કરતા પણ વધુ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદને પગલે હવામાન વિભાગે સોમવારના ઓરેન્જ અલર્ટને રેડ અલર્ટમાં ફેરવી નાખીને ભારેથી અતિથી અતિભારે વરસાદની ચેતવણી આપીને નાગરિકોને ઘરની બહાર નહીં નીકળવાની અપીલ કરી હતી. હવામાન વિભાગે મંગળવાર માટે પણ રેડ અલર્ટની ચેતવણી આપીને ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ચોમાસાની સીઝનમાં પહેલી વખત સતત બે દિવસ માટે મુંબઈમાં રેડ અલર્ટની આગાહી કરવામાં આવી છે. રેડ અલર્ટને પગલે ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મંગળવારના તમામ સ્કૂલ અને કોલેજોને સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી હતી.

બંગાળના ઉપસાગરમાં સર્જાયેલા લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે મુંબઈ, થાણે, પાલઘર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદે કાળોકેર વર્તાવ્યો છે. મુંબઈ શુક્રવારથી ચાલુ થયેલો વરસાદ ૨૧ ઑગસ્ટ સુધી રહેવાની શક્યતા હવામાન ખાતાએ વ્યકત કરી છે, જે હેઠળ સોમવાર વહેલી સવારથી મુશળધાર વરસાદ શરૂ થયો હતો અને વરસાદનું જોર સવારના ૮.૩૦ વાગ્યાથી બપોરના ૨.૩૦ વાગ્યા દરમ્યાન રહ્યું હતું.

ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા લોકલ ટ્રેન સહિત વાહનવ્યવહારને ફટકો પડયો હતો. નીચાણવાળા વિસ્તાર ગણાતા હિંદમાતા, સાયન, કિંગ સર્કલ, લાલબાગ, ભાયખલા, કુર્લા, બાન્દ્રા, માટુંગા, માહિમ સાંતાક્રુઝ, અંધેરી, ઘાટકોપર, વિક્રોલીમાં પાણી ભરાઈ ગયા હતા. કિંગ સર્કલ, અંધેરી સબવેમાંં વરસાદી પાણીનો નિકાલ કરવા પમ્પની સંખ્યા વધારવામાં આવી હતી, જેમાં હિંદમાતામાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે સાતેય પમ્પ ચાલુ કરવામાં આવ્યા હતા. પાણીનો નિકાલ થયા બાદ વાહનવ્યવહાર પૂર્વવત્ થયો હતો.

સોમવાર સવારના આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં દક્ષિણ મુંબઈમાં સરેરાશ ૯૭.૮૮ મિ.મી. , પૂર્વ ઉપનગરમાં ૮૬.૨૧ મિ.મી. અને પશ્ર્ચિમ ઉપનગરમાં ૮૩.૧૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

૯૬ કલાકમાં ૨૦ ઈંચ વરસાદ

મુંબઈમાં છેલ્લા ૯૬ કલાકમાં (ચાર દિવસ)માં ૫૦૦ મિલીમીટર એટલે કે ૨૦ ઈંચથી પણ વધુ વરસાદ પડયો છે, જેમાં સોમવારે સવારે ભારે વરસાદ પડયો હતો. ૧૬ ઑગસ્ટથી અત્યાર સુધીમાં મુંબઈમાં ૫૦૦ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો છે,જેમાં ૧૫-૧૬ઑગસ્ટ દરમ્યાન ૨૪૪ મિ.મી., ૧૬થી ૧૭ ઑગસ્ટ દરમ્યાન ૮૩.૮ મિ.મી. , ૧૭થી ૧૮ ઑગસ્ટ દરમ્યાન ૯૯.૪ મિ.મી. અને ૧૮ ઑગસ્ટના સવારના ૮.૩૦ વાગ્યાથી સાંજના ૫.૩૦ વાગ્યા ૧૨૩.૯ િ.મ.મી. વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે ચાલુ સિઝનમાં પહેલી વખત ૧૮ અને ૧૯ ઑગસ્ટ એમ સતત બે દિવસ મુંબઈ માટે રેડ અલર્ટની ચેતવણી આપી છે.

માટુંગામાં પાણીમાં સ્કૂલ બસ ફસાઈ

સોમવારના મુશળધાર વરસાદમાં માટુંગામાં પણ ઘૂંટણભેર પાણી ભરાયા હતા, જેમાં માટુંગાની ડોન બૉસ્કો સૂક્લની બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. બસમાં છ નાના બાળકો, બે મહિના કર્મચારી અને બસનો ડ્રાઈવર હતા. આ લોકો લગભગ એક કલાક સુધી રસ્તા પર પાણી ભરાયા હોવાથી બસની અંદર બેસી રહ્યા હતા. માટુંગા પોલીસને આ બાબતની જાણ થતા તેમણે તરત પોતાની એક ટીમ મોકલી હતી. પોલીસના જવાનોએ બાળકોને હાથમાં ઊંચકીને તેમને બસની બહાર કાઢ્યા હતા.

છ કલાકમાં સરેરાશ છ ઈંચ વરસાદ

સોમવાર સવારના ૮.૩૦ વાગ્યાથી બપોરના ૨.૩૦ વાગ્યા સુધીના છ કલાક દરમ્યાન ભારેથી અતિભારે વરસાદ પડયો હતો, જેમાં મુખ્યત્વે દાદર, વરલી, ચેમ્બુર, સાયન, વિક્રોલી અને જુહુમાં ૧૫૦ મિ.મી.થી વધુ વરસાદ પડયો હતો. એટલે કે માત્ર છ કલાકમાં છ ઈંચથી વધુ વરસાદ પડયો હતો. તો સવારના છ વાગ્યાથી બપોરના ૨.૩૦ વાગ્યા સુધીના સમયગાળામાં દાદરમાં સરેરાશ ૧૭૩.૪ મિ.મી., વરલીમાં ૧૭૦.૨ મિ.મી., વડાલામાં ૧૬૫.૦ મિ.મી., વર્સોવામાં ૧૪૯.૪ મિ.મી., બાન્દ્રામાં ૧૪૫.૦ મિ.મી., ખાર-પાલીહિલમાં ૧૩૧.૦ મિ.મી., ૧૩૧.૦ અને બીકેસીમાં ૧૨૭.૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

સૌથી વધુ વરસાદ ચેમ્બુરમાં

રવિવાર રાતથી શરૂ થયેલો વરસાદ સોમવારના પણ આખો દિવસ ચાલુ જ રહ્યો હતો. સોમવારના બપોર સુધીના આઠ કલાકમાં અનેક વિસ્તારમાં ૧૦૦ મિ.મી.થી વધુ વરસાદ પડયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ પૂર્વ ઉપનગરના ચેમ્બુરમાં ૧૭૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો. એ બાદ દાદરમાં ૧૭૩.૪ મિ.મી. વરલીમાં ૧૭૦.૨ મિ.મી. અને વડાલામાં ૧૬૫ િ,મમી. વરસાદ નોંધાયો હતો. તો વર્સોવામાં ૧૪૯.૪ મિ.મી., વિક્રોલીમાં ૧૪૫.૮ મિ.મી., બાન્દ્રામાં ૧૪૫ મિ.મી., ખારમાં ૧૩૧ મિ.મી. અને બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ૧૨૭.૨ િ.મમી. વરસાદ નોંધાયો હતો.

લો પ્રેશર અને ડિપ્રેશનને કારણે ભારે વરસાદ

હવામાન વિભાગ, મુંબઈના ચીફ શુંભાગી ભુતેએ જણાવ્યું હતું કે બંગાળના ઉપસાગર અને ઉત્તર આંધ્ર પ્રદેશ-દક્ષિણ ઓરિસ્સાના કિનારા વચ્ચે લો પ્રેશર નિર્માણ થયું છે. એ સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન પણ દરિયાઈ સપાટીથી ૯.૬ કિલોમીટર ઊંચાઈ બન્યું છે, જે પશ્ર્ચિમ-ઉત્તર-પશ્ર્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને તે ડિપ્રેશનમાં ફેરવાઈને દક્ષિણ ઓરિસ્સા-ઉત્તર આંધ્ર પ્રદેશના કિનારપટ્ટીને ક્રોસ કરીને મંગળવાર, ૧૯ ઑગસ્ટના આગળ વધશે, તેને કારણે કોંકણ રિજનમાં ભારે વરસાદની શકયતા છે. મુખ્યત્વે ૧૮ ઑગસ્ટ બાદ ૧૯ ઑગસ્ટ, મંગળવારના પણ મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગિરી માટે રેડ અલર્ટ રહેશે. ૨૧ ઑગસ્ટથી તેની તીવ્રતા ઘટવાની સાથે જ વરસાદનું જોર ઘટશે

સ્કૂલ કોલેજમાં આજે રજા

સોમવારના આખી રાત વરસાદ પડયો હોવા છતાં સવારના સમયે લોકલ ટ્રેનો દોડી રહી હતી, તેથી મોટી સંખ્યામાં લોકો ઓફિસ અને સ્કૂલ-કોલેજમાં પહોંચી ગયા હતા. જોકે સવારના મોડેથી હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર માટે રેડ અલર્ટની ચેતવણી આપીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા મહારાષ્ટ્ર સરકારે સરકારી તેમ જ ખાનગી ઓફિસમાં કર્મચારીઓને તથા સ્કૂલ-કોલેજને જલદી છોડી દેવાની સૂચના આપી હતી. હવામાન વિભાગે મંગળવાર માટે પણ રેડ અલર્ટની ચેતવણી આપી હોવાથી મુંબઈ મહાનગરપાલિકાએ સોમવારે મોડી સાંજે પાલિકા અને ખાનગી સ્કૂલ અને કોલેજોને મંગળવારના રજા જાહેર કરી હતી.

તો મીઠી નદીમાં પૂર !

બે દિવસ પહેલા તુલસી અને સોમવારે વિહાર છલકાઈ ગયું છે. બંને તળાવ છલકાઈ જતા મુંબઈગરા માટે આનંદના સમાચાર તો છે પણ એ સાથે જ ચિંતા પણ વધી ગઈ છે. વિહાર છલકાઈ ગયા બાદ તેનું પાણી મીઠી નદીમાં જાય છે. મુંબઈમાં મંગળવારના પણ રેડ અલર્ટની ચેતવણી છે. જો મંગળવારે પણ ભારે વરસાદ રહ્યો તો મીઠી નદીમાં પાણીનું સ્તર વધીને તેમાં પૂર આવવાની શક્યતા છે. એવા સંજોગોમાં કુર્લા સહિત બાન્દ્રા, માહિમ, વાકોલા જેવા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા છે. તો કુર્લા, સાયન અને માટુંગાના રેલવે ટ્રેક પર પણ મીઠી નદીના પાણી આવી શકે છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button