મુંબઈગરાને મોટી રાહત: હાર્બર લાઈન હવે બોરીવલી સુધી લંબાવાશે, જાણો સંપૂર્ણ પ્લાન

મુંબઈ: મધ્ય રેલવેમાં મુસાફરોની વધતી સંખ્યાને કારણે ગોરેગાંવ સુધી ચાલતી ચાલતી હાર્બર લાઈન બોરીવલી સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિસ્તરણ બે તબક્કામાં કરવામાં આવશે. મલાડ ખાતે એલિવેટેડ સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે.
ઉપરાંત, કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી રેલ્વે લાઈન બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ બાંધકામ થયા પછી મુસાફરો ફક્ત 20 રૂપિયામાં પનવેલથી બોરીવલી મુસાફરી કરી શકશે.
હાલમાં, હાર્બર લાઈન પર સીએસએમટી – પનવેલ, અંધેરી, ગોરેગાંવ વચ્ચે લોકલ ટ્રેન દોડે છે. અગાઉ હાર્બર સર્વિસ ફક્ત સીએસએમટી – અંધેરી સુધી જ હતી. પરિણામે અનેક મુસાફરો સીએસએમટીથી અંધેરી મુસાફરી કરી પછી પશ્ચિમ રેલવેની ઉપનગરીય ટ્રેનમાં બાકીની મુસાફરી કરતા હતા.
મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને હાર્બર ટ્રેન સર્વિસ ગોરેગાંવ સુધી લંબાવવામાં આવી હતી. આ વિસ્તરણ ડિસેમ્બર 2017 થી શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે લોકલ ટ્રેનો માર્ચ 2019થી જ ગોરેગાંવ સુધી શરૂ થઈ શકી હતી.
ગોરેગાંવ સુધીની સર્વિસને સફળતા મળતા હવે તેને બોરીવલી સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 825 કરોડ રૂપિયા થશે. વિસ્તરણ બે તબક્કામાં કરવામાં આવશે – ગોરેગાંવથી મલાડ સુધીનો 2 કિમીનો પહેલો તબક્કો 2026-27 માં પૂર્ણ થશે અને મલાડથી બોરીવલી સુધીનો 5 કિમીનો બીજો તબક્કો 2027-28 માં પૂર્ણ થશે.



