આમચી મુંબઈ

નાણાકીય વિવાદમાં પાલિકાના અધિકારીના ઇશારે મારપીટ કરાઈ હોવાનો ગુજરાતી વેપારીનો આક્ષેપ

મુંબઈ: મુંબઈમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ સંબંધમાં આર્થિક વિવાદને લઇ મહાપાલિકાના અધિકારીના ઇશારે મારપીટ કરવામાં આવી હોવાની ફરિયાદ 53 વર્ષના ગુજરાતી વેપારીએ પોલીસને કરી છે. આ કથિત ઘટના 4 ઑક્ટોબરે બની હતી, પરંતુ ફરિયાદ આ મહિનાની શરૂઆતમાં કરવામાં આવી છે. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો નથી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ફરિયાદી નિશિત પટેલ લંડનમાં જન્મેલો બ્રિટિશ નાગરિક છે અને ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) કાર્ડ ધરાવે છે. તે મહાપાલિકાના અધિકારીને 2019થી ઓળખતો હતો. એ અધિકારી બાંદ્રા વિસ્તારમાં એક હાઉસિંગ પ્રોજેક્ટ સાથે સંકળાયેલો હતો. આ પ્રોજેક્ટમાં રોકાણ કરવા તેણે અનેક આઇએએસ, આઇપીએસ અધિકારીઓ, અન્ય સરકારી અધિકારીઓ, નિવૃત્ત જજ અને અમુક બોલીવૂડની હસ્તીઓને પણ માનાવ્યા હતા. તેણે જો એડવાન્સ પેમેન્ટ કરે તો સસ્તો દર મળશે તેમ જ મિલકતનું મૂલ્ય ઝડપથી બમણું થશે, એવું વચન આપ્યું હતું, એવો દાવો પટેલે કર્યો હતો.

આ પણ વાંચો: પાણી ભરીને લાવી ન શકવાને કારણે શિક્ષકોએ મારપીટ કરતાં વિદ્યાર્થીઓ જંગલમાં ભાગી ગયા

પટેલ ખરીદદારો પાસેથી રૂપિયા એકઠા કરતો હતો અને મહાપાલિકાના અધિકારીઓને સોંપતો હતો. જોકે પ્રોજેક્ટમાં વિશ્ર્વાસ ગુમાવ્યા બાદ ઘણા બધા રોકાણકારોએ રૂપિયા રિફંડ કરવા દબાણ શરૂ કર્યું હતું. જોકે પાલિકાના અધિકારીએ પટેલ પર દોષ ઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

4 ઑક્ટોબરે અધિકારી, એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને હોટેલિયરે મીટિંગ માટે મને બોલાવ્યો હતો. એ મીટિંગ દરમિયાન બે બાઉન્સરો દ્વારા મારી મારપીટ કરવામાં આવી હતી, એવો આરોપ પટેલે કર્યો હતો.

આ પણ વાંચો: કોરોના મહામારી વખતે મહિલા ડૉક્ટર સાથે મારપીટ કરનારાને સાત વર્ષની કેદ…

પટેલે આરોપ કર્યો છે કે મારી સામે રિવોલ્વર તાકીને 60 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી અને જો પૈસા ન ચૂકવે તો મારા પરિવારની મારપીટ કરવાની ધમકી અપાઇ હતી. મારપીટનો વીડિયો અન્યોને મોકલાયો હતો, એવું પટેલે જણાવ્યું હતું.

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલ દ્વારા આ ફરિયાદીની તપાસ કરવામાં આવી રહી હોઇ પટેલનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button