બોલીવુડના એક અધ્યાયનો અંત! ફિલ્મિસ્તાન સ્ટુડિયોની જગ્યાએ લક્ઝરી એપાર્ટમેન્ટ બનશે

મુંબઈ: એક સમયે રાજ કપૂર, દિલીપ કુમાર, અશોક કુમાર અને દેવ આનંદ જેવા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર્સની ફિલ્મોના શૂટિંગ માટે સતત રોકાયેલો રહેતો મુંબઈના ગોરેગાંવ વેસ્ટમાં આવેલો ફિલ્મીસ્તાન સ્ટુડિયો હવે ઈતિહાસ બનવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં આ સ્ટુડિયોને તોડી પાડીને એક લક્ઝરી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ (Filmistan Studio tobe demolished) બનાવવામાં આવશે, આ સાથે જ બોલિવૂડના ઈતિહાસના એક અધ્યાયનો અંત આવશે.
આ સ્ટુડિયો 82 વર્ષ જૂનો છે, રાની મુખર્જી અને કાજોલના દાદા ડી શશધર મુખર્જીએ વર્ષ 1943માં ફિલ્મીસ્તાન સ્ટુડિયોની સ્થાપના કરી કરી, બોલિવૂડના ‘સુવર્ણ યુગ’નો સાક્ષી રહેલો આ સ્ટુડિયોને હવે જમીનદોસ્ત કરવામાં આવશે. અહેવાલ અનુસાર, રિયલ એસ્ટેટ ડેવલપર આર્કેડ ડેવલપર્સ(Arkade Developers Limited)એ આ સ્ટુડિયોને 183 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આ સ્ટુડિયોને તોડીને લક્ઝરી રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ બનાવવામાં આવશે.
અહેવાલ મુજબ, આર્કેડ ડેવલપર્સ સ્ટુડિયોની જગ્યા પર 3000 કરોડ રૂપિયાનો લક્ઝરી એપાર્ટમેન્ટ પ્રોજેક્ટનું બાંધકામ કરશે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 2026 થી શરૂ થશે, આ પ્રોજેક્ટમાં 50 માળના બે ટાવર હશે, જેમાં 3,4 અને 5 BHK ફ્લેટ અને પેન્ટહાઉસ બનાવવામાં આવશે.
આગાઉ પણ બે આઇકોનિક સ્ટુડીયો તૂટી ચુક્યા છે:
જેને તોડીને હાઈ રાઈઝ બિલ્ડીંગ બનાવવામાં આવશે એવો આ ત્રીજો સ્ટુડિયો છે. અગાઉ, ચેમ્બુરમાં આરકે સ્ટુડિયો અને જોગેશ્વરીમાં કમાલિસ્તાન સ્ટુડિયોને તોડીને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે. ફિલ્મીસ્તાન સ્ટુડિયોના વેચવા પર ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને વાંધો ઉઠાવ્યો છે, એસોસિએશને સ્ટુડિયોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
એસોસિએશને તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને કહ્યું છે કે ફિલ્મ ઉદ્યોગના ઘણા કામદારો આ સ્ટુડિયોમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
હૈદરાબાદના નિઝામે આપ્યું હતું ભંડોળ:
40ના દશકમાં બોમ્બે ટોકીઝના માલિક હિમાંશુ રાયના મૃત્યુ પછી તેમાં કામ કરતા અશોક કુમાર અને શશધર મુખર્જીએ ફિલ્મીસ્તાન સ્ટુડિયો શરૂ કર્યો. હૈદરાબાદના નિઝામ, ઓસામા અલી ખાને આ સ્ટુડિયોના નિર્માણ માટે ભંડોળ પૂરું પાડ્યું હતું. આ સ્ટુડિયોમાં શહીદ (1948), અનારકલી (1953), નાગિન (1954) અને પેઇંગ ગેસ્ટ (1957) જેવી સુપરહિટ ફિલ્મોનું શુટીંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અસંખ્ય ફિલ્મોમાં લગ્ન અને અંતિમ સંસ્કાર દ્રશ્યોનું શુટિંગ આ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું. આ સ્ટુડિયોનો જાણીતો મંદિર સેટ હજુ પણ અસ્તિત્વમાં છે, જોકે હાલ તેના પર ધૂળના થર જામી ગયા છે.
આ પણ વાંચો…criminal justice-4: કોણે કરી હતી રોશની સલુજાની હત્યા? મર્ડર મિસ્ટ્રી કેવી લાગી ઓડિયન્સને