મુંબઈ-ગોવા હાઇવે પર ખાનગી બસમાં લાગી આગ: ગણેશોત્સવ નિમિત્તે સિંધુદુર્ગ જઇ રહેલા 44 પ્રવાસીઓનો આબાદ બચાવ

મુંબઈ: ગણેશોત્સવ નિમિત્તે મુંબઈથી સિંધુદુર્ગ જઇ રહેલા 44 પ્રવાસીઓની બસનું મુંબઈ-ગોવા હાઇવે પર ટાયર ફાટ્યા બાદ તેમાં આગ લાગી હતી. બસ ડ્રાઇવરે સમયસૂચકતા દાખવીને તમામ પ્રવાસીઓને તાત્કાલિક બસમાંથી ઊતરી જવાનું કહ્યું હતું.
બસમાં લાગેલી આગ ડીઝલ ટેન્ક સુધી પહોંચતાં તેમાં ધડાકો થયો હતો. જોકે એ પહેલા પ્રવાસીઓ સલામત સ્થળે ઊતરી ગયા હતા અને કોઇ જાનહાનિ થઇ નહોતી.
આપણ વાંચો: અમેરિકામાં બે વિમાન વચ્ચે એરપોર્ટ પર જ ટક્કર, ભીષણ આગ લાગી, બે લોકો ઘાયલ
પોલાદપુર વિસ્તારના કશેડી ટનલ નજીક શનિવારે મોડી રાતે બે વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બસમાં 44 પ્રવાસી હતા અને તેઓ ગણેશોત્સવ નિમિત્તે સિંધુદુર્ઘ જિલ્લાના માલવણ ખાતે જઇ રહ્યા હતા.
બસ મુંબઈ-ગોવા હાઇવે પરથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક બસનું એક ટાયર ફાટ્યું હતું અને બાદમાં બસમાં આગ લાગી હતી. આગની જાણ થતાં ડ્રાઇવરે ઇમરજન્સી બ્રેક મારી હતી અને પ્રવાસીઓને બસ ખાલી કરી દેવાનું કહ્યું હતું. પ્રવાસીઓ ઊતરી ગયા ત્યાં સુધી આગ બસના અન્ય ભાગમાં ફેલાઇ હતી.
આપણ વાંચો: અમદાવાદમાં હોનારત ટળીઃ ઈન્ડિગોની ફ્લાઈટમાં આગ લાગી, પાઈલટે ‘મેડે’ કોલે આપ્યો?
દરમિયાન આગની જાણ થતાં પોલીસ અધિકારીઓ તથા અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને હાઇવે પર બંને બાજુ ટ્રાફિક બંધ કરીને રસ્તાને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. દરમિયાન આગ ફેલાઇને બસની ડીઝલની ટાંકી સુધી પહોંચતાં મોટો ધડાકો થયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અગ્નિશમન દળના જવાનોએ પરોઢિયે ત્રણ વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યાર બાદ હાઇવે પર બંને તરફનો વાહનવ્યવહાર પૂર્વવત્ થઇ ગયો હતો. પોલાદપુર પોલીસે આ પ્રકરણે કેસ દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)