વિસર્જિત મૂર્તિઓને ૨૪ કલાકની અંદર બહાર કાઢી પુન:પ્રક્રિયા કરાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાર્વજનિક ગણેશોત્સવ અને અન્ય તહેવારોના સંદર્ભમાં મુંબઈ હાઈ કોર્ટે આપેલા નિર્દેશ તેમ જ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાઈડલાઈનને અનુસરીને ગણેશોત્સવ દરમ્યાન પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિનું વિસર્જન કર્યા બાદ કરવામાં આવનારી કાર્યવાહી માટે મુંબઈ મહાનગરપાલિકાએ સ્ટાર્ન્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) બહાર પાડી છે.
એસઓપીના આધારે મૂર્તિના વિસર્જન બાદ ૨૪ની કલાકની અંદર સુધરાઈ દ્વારા મૂર્તિઓને જળાશયમાંથી બહાર કાઢીને એકત્રિત કરીને તેના પર પુન:પ્રક્રિયા કરવામાં આવશે. તે માટે સમગ્ર મુંબઈમાં પ્રોસેસિંગ સેન્ટ અને રિસાયકલિંગ યુનિટની સ્થાપના કરવામાં આવવાની છે.

મુંબઈમાં છ ફૂટ કરતા વધુ ઊંચાઈની ગણેશમૂર્તિના વિસર્જન નૈસર્ગિંક વિસર્જન સ્થળ પર અને તેનાથી નાની મૂર્તિના વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવાનો નિર્દેશ હાઈ કોર્ટે આપ્યો છે. સાર્વજનિક ગણેશોત્સવ તેમ જ અન્ય તહેવારો પર્યાવરણને અનુરૂપ ઊજવવા માટે મુંબઈ હાઈ કોર્ટે આદેશ આપ્યા છે.
તેમ જ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેમાં મુખ્યત્વે મૂર્તિના વિસર્જનને લગતી બાબતો નક્કી કરી આપવામાં આવી છે. જે હેઠળ પીઓપીની મૂર્તિના વિસર્જન બાદ તેને ફરી ભેગી કરીને તેના પર પુન:પ્રક્રિયા કરવાની તેમ જ કઈ કઈ સાયન્ટિફિકલી પદ્ધતિ હોઈ શકે તે જાણી લેવા માટે નિષ્ણાતોની સમિતિની સ્થાપના કરવાનો પણ હાઈ કોર્ટે આદેશ આપ્યો હતો.
હાઈ કોર્ટના આદેશ બાદ આગામી ગણેશોત્સવ દરમ્યાન પીઓપીની મૂર્તિઓનું રિસાયકલ કરવા સમગ્ર મુંબઈમાં પ્રોસેસિંગ સેન્ટર અને રિસાયકલિંગ યુનિટની સ્થાપના કરવામાં આવશે. પાલિકાએ શુક્રવારે એસઓપી બહાર પાડીને જાહેર કર્યું હતું કે લાંબા સમય સુધી પાણીમાં મૂર્તિઓ ડૂબેલી રહેવાની પરિસ્થિતિમાં જળ પ્રદુષણની જોખમ વધી શકે છે.
તેથી વિસર્જન કરાયેલી બધી મૂર્તિઓને તાત્કાલિક જળાશયોમાંથી બહાર કાઢવામાં આવશે. એસઓપી મુજબ ગણેશોત્સવમાં ગણેશમૂર્તિના વિસર્જન બાદ મૂર્તિઓને મનુષ્યબળ અથવા મશીનની મદદથી વિસર્જન સ્થળેથી એકત્રિત કરવામાં આવશે.
પીઓપીની મૂર્તિઓના વિસર્જનથી પર્યાવરણીય જોખમ વચ્ચે હાઈ કોર્ટે તાજેતરમાં વિસર્જન પરનો પ્રતિબંધ હટાવી દીધો છે અને સરકારને પર્યાવરણને અનુકૂળ વિસર્જન માટે પગલા અમલમાં મૂકવા માટે કહ્યું છે. મુંબઈ હાઈ કોર્ટે ૨૪ જુલાઈના રોજ પોતાના તાજેતરમાં આદેશમાં પીઓપીની મૂર્તિઓના પુન:ઉપયોગ અને રિસાયકલિંગ માટે પદ્ધતિઓ સૂચવવા માટે નિષ્ણાત સાયન્ટિફિક કમિટીની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આ બાબત વિચારણા હેઠળ છે અને ઉપરોક્ત બાબતને ધ્યાનમાં રાખીને ઝોન સ્તરે વિસર્જન કરાયેલી મૂર્તિને એકત્રિત કરવાની પ્રક્રિયા તથા દહિસર અને શિલફાટા ખાતે વેસ્ટ પ્રોસેસિંગ સેન્ટરમાં તેમને મોકલવાની પ્રક્રિયા એસઓપીને આધારે કરવામાં આવશે.
આ પણ વાંચો…પર્યાવરણપૂરક ગણેશોત્સવ: મૂર્તિકારોને ૯૧૦ ટન મફત શાડુ માટીનું વિતરણ
વિસર્જનના ૨૪ કલાકની અંદર મૂર્તિ બહાર
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે વિસર્જન કરવામાં આવેલી બધી મૂર્તિઓને ૨૪ કલાકની અંદર પાણીમાંથી બહાર કાઢવામાં આવશે. નાની મૂર્તિઓને તાત્કાલિક બહાર કાઢવામાં આવશે જયારે મોટી મૂર્તિઓને ક્રેન અથ્ાવા અન્ય મશીનનો ઉપયોગ કરીને બહાર કાઢવામાં આવશે.
મૂર્તિ એકત્રિત કરવા માનવબળ નીમશે
પાલિકા ૧૨ કલાકની શિફ્ટમાં મજૂરોને પૈસા આપીને જળાશયોમાંથી મૂર્તિઓ બહાર કઢાવશે અને મૂર્તિઓેને એકત્રિત કરીને પરિવહન કરનારા ડમ્પર ટ્રકને દરેક શિફ્ટ માટે ૮,૮૦૦-૯,૭૦૦ રૂપિયા ચૂકવવામાં આશે. ડમ્પરની તાડપત્રી કવર સાથે ૧૮,૫૦૦ કિલો વજન વહન કરવાની ઓછામાં ઓછી ક્ષમતા રહેશે. આ ખર્ચમાં મજૂરી, ચાર્જ, ડ્રાઈવરનું ભાડું, ઈંધણ, ટોલ ચાર્જ, પાર્કિંગ ફી અને ઈન્શોયરન્સ ચાર્જનો સમાવેશ થાય છે. વાહનોમાં મૂર્તિઓના લોડ-અનલોડ કરવા માટે ઓછામાં ઓછા ત્રણ મજૂરોનો ઉપયોગ કરવામાં આવશે.
પાલિકાના ખર્ચે રિસાયકલિંગ
અધિકારીના જણાવ્યા મુજબ આ દરોના આધારે બજેટ તૈયાર કરવામાં આવશે અને વોર્ડ સ્તરના અધિકારીઓ વાહનો માટે ટેન્ડર મગાવશે. વોર્ડ સ્તરે રિસાયકલિંગ યુનિટમાં વિસર્જન પછી મૂર્તિઓ ભેગી કરવામાં આવશે. એ બાદ તેમને અંતિમ પ્રક્રિયા માટે દહિસર અથવા શિલફાટા) ખાતે મોકલવામાં આવશે, સમગ્ર પ્રક્રિયાનો ખર્ચ પાલિકા દ્વારા ભંડોળ પૂરી પાડવામાં આવશે.