મુંબઈના ફૂલ બજારમાં આવ્યો ગરમાવો, જાણી લો શું છે કારણ?
મુંબઇ: દશેરાના મહાપર્વને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે મુંબઈ સહિતના મહાનગરોમાં પણ ફૂલની ખરીદી માટે માર્કેટમાં જોરદાર ચહલપહલ જોવા મળી હતી. દશેરાના મહાપર્વ પૂર્વે આજે મુંબઈ સહિત થાણે અને દાદરના ફૂલ બજારમાં લોકોમાં ફૂલની ખરીદી માટે ઉમટી પડ્યા છે.
દશેરાના તહેવારમાં ગલગોટા અને શેવંતીના ફૂલોની ખાસ માંગને કારણે આ ફૂલોનો ભારે ધસારો જોવા મળ્યો છે અને સાથે જ આ ફૂલોના ભાવમાં પણ ભારે વધારો જોવા મળ્યો છે.
થોડા દિવસો પહેલા ૬૦ થી ૮૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા ગલગોટાના ફૂલો હવે ૧૦૦નો આંકડો પાર કરી ગયા છે. દશેરા પર શેવંતી ફૂલોની પણ ખૂબ માંગ રહે છે. ૧૨૦ થી ૧૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી શેવંતી હાલમાં ૨૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
દશેરાના દિવસે ઘર, વાહન, ઝવેરાતની ખરીદી કરવામાં આવે છે, સાથે સાથે ઘર, ઓફીસના દરવાજે અને વાહનો પર ગલગોટાના ફૂલોની માળા બાંધવામાં આવે છે. જેના કારણે દશેરાના દિવસે ગલગોટાના ફૂલોની વધુ માંગ રહે છે.
નાગરિકો બે દિવસ અગાઉથી ફૂલોની ખરીદી કરે છે. આ વર્ષે પણ આ ચિત્ર યથાવત છે. દાદરના મુખ્ય બજારમાં ફૂલ ખરીદવા માટે નાગરિકો ઉમટી રહ્યા છે. આ ફૂલની કિંમતમાં ૪૦ થી ૮૦ રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે.