Mumbai Fire: મુંબઈના બંગલેામાં ધધકતી આગની વચ્ચે જોરદાર બ્લાસ્ટ
મુંબઇઃ મુંબઈના બાંદ્રા ઉપનગરમાં એક બંગલામાં શનિવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. અહેવાલો મુજબ પાલી હિલના ઝીકઝેક રોડ પર આવેલા નારંગ બંગલામાં અડધી રાતે આગ ફાટી નીકળી હતી. આ આગનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંગલામાંથી આગની ભયાનક જ્વાળાઓ નીકળતી દેખાય છે. વીડિયો જોઇને આગની તીવ્રતા કેટલી હતી તેનો અંદાજ લગાવી શકાય છે.
બંગલાની અંદર એલપીજી ગેસ સિલિન્ડર પણ હતો. ભીષણ આગની જ્વાળાઓ જોઇને એમ લાગે છે કે બંગલામાં સિલિન્ડર બ્લાસ્ટ પણ થયો હોઇ શકે છે. મળતી માહિતી મુજબ, આગ નારંગ બંગલાના પહેલા, બીજા અને ત્રીજા માળે લાગી હતી. આગને કારણે બંગલાને કેટલું નુક્સાન થયું છે તે હજી સુધી જાણવા મળ્યું નથી.જોકે, સદનસીબે આગ ઈલેક્ટ્રીકલ વાયરિંગ, ઈલેક્ટ્રીક ઈન્સ્ટોલેશન, ઘરની વસ્તુઓ, ફર્નિચર, એલપીજી ગેસ સિલિન્ડર, લાકડાનું ફર્નિચર, સીલિંગ અને એસી જેવી વસ્તુઓ સુધી સીમિત રહી હતી, તેથી કોિ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
નારંગ બંગલામાં આગ રાતના લગભગ 1.22 વાગ્યે લાગી હતી, જેને બુઝાવવા માટે BMC અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ ગંભીર હોવા છતાં ફાયર બ્રિગેડે ઝડપથી કાર્યવાહી કરી હતી અને સવારે 5:00 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ કેવી રીતે લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.