Video: જોગેશ્વરી-ઓશિવરા ફર્નિચર માર્કેટમાં ભયંકર આગ; આટલી દુકાનો બળીને ખાખ
મુંબઈ: જોગેશ્વરી-ઓશિવરા ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાના (fire in Jogeshwari-Oshiwara furniture market) અહેવાલો છે. અહેવાલ મુજબ આજે મંગળવારે સવારે ફર્નિચર માર્કેટમાં એક ગોદામમાં રાખવામાં આવેલા લાકડામાં આગ લાગી હતી અને જોત જોતામાં આગે ભયંકર રૂપ ધારણ કરી લીધું હતું. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 11:30 વાગ્યે આગ લાગી હતી.
વેપારીઓને નુકશાન:
નોંધનીય છે કે અંધેરી વેસ્ટમાં આવેલુ આ માર્કેટ ફર્નિચરનું વિશાળ બજાર છે. અહીં ફર્નિચરની નાની-મોટી ઘણી દુકાનો આવેલી છે, આ ઉપરાંત લાકડાના ગોદામો પણ છે. અહેવાલ મુજબ આગ 150 થી વધુ લાકડાના ફર્નિચરની દુકાનોમાં ફેલાઈ ગઈ છે. આગ ઝડપથી અને હજુ મોટા વિસ્તારમાં ફેલાય તેવી શક્યતા છે, જેને કારણે મોટું નુકશાન થાય એવી શક્યતા છે. ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર સુધી ફેલાઈ રહ્યા છે.
કોઈ જાનહાની નહીં:
આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે. અહેવાલ મુજબ લગભગ 12 ફાયર એન્જિન, છ મોટા ટેન્કર, એમ્બ્યુલન્સ અને વરિષ્ઠ ફાયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સદનસીબે, અત્યાર સુધી કોઈ ઈજા કે મૃત્યુના અહેવાલ નથી. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી.
Also read: મહાનગરપાલિકાના પાર્કિંગમાં ભયંકર આગ
જોકે ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે આગ લાગી હતી. અહેવાલ મુજબ અત્યાર સુધીમાં સાતથી આઠ સિલિન્ડર ફાટ્યા છે. જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.