જોગેશ્વરીની બિલ્ડિંગને ફાયરબ્રિગેડની નોટિસ બિલ્ડિંગની ફાયરસેફટી સિસ્ટમ કામ કરતી નહોતી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જોગેશ્વરી(પશ્ચિમ)માં ગુરુવારે જેએનએસ નામના બિઝનેસ સેન્ટરમાં લાગેલી ભીષણ આગની દુર્ઘટના બાદ બિલ્ડિંગ મેનેજમેન્ટ દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી બદલ તેમને મુંબઈ ફાયરબ્રિગેડ દ્વારા નોટિસ ફટકારવામાં આવવાની છે. તેમ જ ફાયરબ્રિગેડ દ્વારા બિલ્ડિંગની વીજળી અને સ્યુએજ લાઈનનું જોડાણ પણ કાપી નાખવામાં આવશે એવું સુત્રોએ જણાવ્યું હતું.
ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતું કે આ બિલ્ડિંગ પાસે ઓક્યુપેશન સર્ટિફિકેટ(ઓસી) નહોતું. બિલ્િંડગની અંદર મોટી સંખ્યામા ઓફિસ હોવાથી ફાયરબિગ્રેડ તરફથી ઓસી મેળવવાનું તેમની માટે આવશ્યક હોવા છતાં તે સુધ્ધા તેમણે મેળવ્યું નહોતું. આ બધી ત્રુટી અને બિલ્િંડગની સુરક્ષામાં રહેલી ખામીને લઈને તેમની પાસેથી ખુલાસો માંગતી નોટિસ મોકલવામાં આવવાની છે.
આ દરમ્યાન તેમની વીજળી અને ગટરની લાઈન પણ કાપી નાખવામાં આવશે. ફાયરબ્રિગેડના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે તપાસ દરમ્યાન બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ થયા હોવાનું પણ જણાઈ આવ્યું હતું. બિલ્ડિંગમાં ગેરકાયદે રીતે ફોલ્સ સિલિંગ બનાવવાથી લઈને ગેરકાયદે રીતે વધારાના ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ફેરફારોની યાદી તૈયાર કરવામાં આવી છે અને તેમને સ્થાનિક વોર્ડ ઓફિસને મોકલી દેવામાં આવી છે. તેઓ આગળની કાર્યવાહી કરશે.
ગુરુવારે આગ લાગ્યા બાદ શુક્રવારે ફાયરબ્રિગેડ દ્વારા ઘટના સ્થળનું ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન બિલ્ડિંગની ફાયર ફાઈટીંગ સિસ્ટમ કામ કરતી ન હોવાનું જણાઈ આવ્યું હતું અને તેને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હતી. બિલ્ડિંગના અગ્નિશામક ઉપકરણો પણ કામ કરતા નહોતા. વર્ષમાં એક વખત ઈન-બિલ્ટ સિસ્ટમનું ઓડિટ થવું આવશ્યક છે પણ આ બિલ્ડિંગમાં નિયમનું પાલન કરવામાં આવ્યું નહોતું.
નોંધનીય છે કે ગુરુવારે બિલ્ડિંગમાં આગ લાગ્યા બાદ ૨૭ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમાંથી ૧૭ લોકોને ગૂંગણામણની તકલીફ થતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. બિલ્ડિંગ કાચની હોવાથી ધુમાડો અંદર ફેલાઈ જતા આગ બુઝાવવાની કામગીરી પણ અવરોધ આવ્યા હતા.



