ભંગાર વિક્રેતા સાથે 46 લાખની છેતરપિંડી: પિતા-પુત્ર સામે ગુનો…

મુંબઈ: કુર્લાના ભંગાર વિક્રેતા સાથે 46 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર પિતાના એક મિત્ર મારફત ફરિયાદીની ઓળખાણ આરોપી સાથે થઈ હતી. આરોપી ભંગારનો મોટો વ્યાવસાયિક હોવાની ઓળખ ફરિયાદીને આપવામાં આવી હતી.
ફરિયાદીએ 2023માં ગોવાની એક કેમિકલ ફૅક્ટરીમાંના ભંગારનો સોદો આરોપી સાથે ભાગીદારીમાં કર્યો હતો. તે સમયે ફરિયાદીને સારો નફો મેળવી આપી આરોપીએ તેનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો. માર્ચ, 2024માં આરોપીએ પુણેની સેવન સ્ટાર હોટેલમાંનાં ઍરકન્ડિશનર્સ ભંગારમાં વેચવાનાં હોવાની જાણ ફરિયાદીને કરી હતી.
595 ઈનડૉર અને 85 આઉટડૉર એસી 61 લાખ રૂપિયામાં ખરીદવાનું નક્કી કરાયું હતું, એમ વી. બી. નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. આરોપીએ ભંગારની ચકાસણી કરવા માટે ફરિયાદીને પુણે બોલાવ્યો હતો. ચકાસણી પછી એડ્વાન્સ પેમેન્ટ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.
ફરિયાદીએ વિશ્વાસ રાખીને તેના વ્યાવસાયિક ભાગીદાર મારફત અમુક ટ્રાન્ઝેક્શન દ્વારા 35.58 લાખ રૂપિયા આરોપીની કંપનીના બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કર્યા હતા. એ સિવાય 11 લાખની રોકડ પણ આપવામાં આવી હતી. નાણાં ટ્રાન્સફર કર્યા પછી વારંવાર ખાતરી આપ્યા છતાં આરોપીઓ દ્વારા ભંગારની ડિલિવરી કરાઈ નહોતી.
હોટેલ મૅનેજમેન્ટ પાસેથી વધુ નાણાં પડાવવા માટે આરોપીઓ દ્વારા ભંગાર મોકલવામાં મોડું કરવામાં આવી રહ્યું હતું. જોકે બાદમાં ફરિયાદીને જાણ થઈ હતી કે આરોપીએ ભંગાર અન્ય કોઈને વેચી નાખ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
ફરિયાદીએ વારંવાર નાણાં પાછાં માગતાં આરોપી પિતા-પુત્રે ઉડાઉ જવાબ આપ્યા હતા. બાદમાં આરોપીઓએ ફરિયાદીના કૉલ રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું. આખરે ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)
આ પણ વાંચો…બનાવટી ગૉલ્ડ કોઈન્સના બદલામાં યુવાને 10 લાખનો નેકલેસ ખરીદ્યો