અંતિમવિધિમાં હાજરી આપવા જઈ રહેલા મુંબઈના પરિવારની કાર નદીમાં ખાબકીઃ પાંચના મોત

મુંબઈઃ મુંબઈ-ગોવા હાઈવે પર એક ગંભીર અકસ્માત થયો છે, (Mumbai-Goa accident) જગબુડી નદીમાં એક કાર પડી જવાથી 5 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. મુંબઈના મીરા રોડથી દેવરુખ તરફ જઈ રહેલા પરિવારના પાંચના મોતના સમાચાર મળ્યા છે. કમનસીબી એ વાતની છે કે આ પરિવાર પોતાના સંબંધીની અંતિમવિધિમાં હાજરી આપવા જઈ રહ્યો હતો અને રસ્તામાં તેમને જકાળ ભરખી ગયો.
મુંબઈના મીરા રોડથી દેવરુખ તરફ જઈ રહેલા પરિવારની કાર જગબુડી નદીના પુલ પરથી સીધી ૧૦૦ ફૂટ નીચે પડી ગઈ હતી. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા અને કારનો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. નદીના પટમાં કાર પડી હોવાની માહિતી મળતાં, ઘણા લોકો જગબુડી નદીના પુલ તરફ દોડી ગયા હતા. આ દુ:ખદ અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત થયા છે.
આપણ વાંચો: આઈઆઈટી બોમ્બેએ પણ તુર્કીનો કર્યો બહિષ્કાર: શું લીધો નિર્ણય?
પ્રાપ્ત માહિતી અનુસાર આ ભયાનક અકસ્માત સોમવારે (૧૯ મે) સવારે રત્નાગિરિ-મુંબઈ ગોવા હાઇવે પર ખેડ નજીક થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મૃતક પરિવાર મીરા રોડનો રહેવાસી હતો અને અંતિમ સંસ્કાર માટે દેવરુખ તરફ જઈ રહ્યો હતો. જોકે, કારની ગતિ વધુ હોવાથી ડ્રાઇવરે કાર પરનો કાબુ ગુમાવ્યો અને કાર જગબુડી નદીના પટમાં 100 થી 150 ફૂટ નીચે પડી ગઈ. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ટુકડા થઈ ગયા હતા.
અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક નાગરિકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કારને ક્રેનની મદદથી ઉપર ઉઠાવવામાં આવી હતી. કારમાં સવાર પાંચેય મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તેમના મૃતદેહને ખેડ ગ્રામીણ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હોવાના અહેવાલો છે.