મુંબઈમાં રાજકીય ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડકઃ આઠ વર્ષ બાદ પારો આટલો ગગડ્યો
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કોણ થશે તેની સતત રાજકીય ગરમાગરમી મહારાષ્ટ્રના લોકો અનુભવી રહ્યા છે ત્યારે વાતાવરણમાં ગરમીથી રાહત મળી છે અને ઠંડીનો ચમકારો મુંબઈગરા સહિત રાજ્યભરમાં અનુભવાઈ રહ્યો છે.
મુંબઈમાં તાપમાનમાં ઘટાડો થતાં સર્વત્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. મંગળવારે સાંતાક્રુઝમાં આઠ વર્ષમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. સાંતાક્રુઝમાં 16.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દેશમાં ચોમાસાની વાપસી બાદ ઉત્તરના ઠંડા પવનો મહારાષ્ટ્ર તરફ વધી રહ્યા છે. જેના કારણે રાજ્યમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આઠ વર્ષ બાદ શહેરમાં વાતાવરણ થયું આટલું ઠંડુ
નવેમ્બર 2016 પછી મંગળવારે મુંબઈનું તાપમાન પહેલીવાર ઘટીને 16.8 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ-ચાર દિવસ મુંબઈમાં વાતાવરણ ઠંડું રહેશે. હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આગામી ત્રણથી ચાર દિવસ સુધી તાપમાનનો પારો 17 ડિગ્રી પર રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની માહિતી અનુસાર નવેમ્બર 2024 છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઠંડો મહિનો હોવાનું બહાર આવ્યું છે. અગાઉ 11 નવેમ્બર 2016ના રોજ સાંતાક્રુઝમાં 16.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
સાંતાક્રુઝમાં નોંધાયેલ 16.8 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન મુંબઈના સરેરાશ તાપમાન કરતાં 3.8 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. કોલાબામાં તાપમાન 22.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. થોડા દિવસો પહેલા મુંબઈમાં તાપમાન ઘટીને 18.5 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. નવેમ્બર 2022 પછી પહેલી વાર તાપમાન આટલું ઓછું થયું. 1950માં મુંબઈના સાંતાક્રુઝમાં 13.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ તાપમાન મુંબઈમાં અત્યાર સુધીનું સૌથી નીચું તાપમાન માનવામાં આવે છે.
આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે
હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈ શહેરમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી શીત લહેર યથાવત રહેશે. મુંબઈમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીથી 19 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. જોકે, 1 ડિસેમ્બરથી આ તાપમાનમાં વધારો થવાની શક્યતા અને લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા પણ હવમાન વિભાગ જણાવી રહ્યું છે. નોંધનીય બાબત એ છે કે લઘુત્તમ તાપમાનમાં 3.8 ડિગ્રીનો ઘટાડો થયો છે ત્યારે મુંબઈ શહેરના ઉપનગરોમાં દિવસનું તાપમાન 32 થી 33 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું છે.
Also Read – Gujarat માં ઠંડીમાં વધારો, અમદાવાદ સહિત આઠ શહેરોમાં લધુતમ તાપમાન…
મુંબઈમાં આવી છે હવાની ગુણત્તા
ઠંડીની સાથે જ પ્રદૂષણનું પ્રમાણ વધી જાય છે અને હવાની ગુણવત્તા ઘટતી જાય છે. માત્ર દેશની રાજધાની જ નહીં મોટા ભાગના શહેરોમાં હવા ઝેરી બનતી જાય છે. આજની વાત કરીએ તો અહેવાલો અનુસાર મુંબઈનો હવા ગુણવત્તાનો ઈન્ડેક્સ 156 દર્શાવે છે એટલે કે મધ્યમ સ્તરની હવા છે. મુંબઈ ઉપરાંત બોઈસર, ઉલ્હાસનગર, મુલુંડ, મ્હાપે, નેરુલ, કોપરીપાડા, મઝગાંવ, માલેગાંવ, ધુળે, જલગાંવ, નાગપુર, ચંદ્રપુર, નાંદેડ, પરભણી, લાતુર, સોલાપુર, પુણે અને અહેમદનગરમા પણ હવાની ગુણવત્તા સાધારણ રહી છે.