મુંબઈને મળશે દરિયાકિનારે વધુ એક આલીશાન હોટેલ, ફડણવીસે પણ કરી મહત્ત્વની વાત…
![mumbai emerges as convention capital with new taj hotel](/wp-content/uploads/2025/02/taj-hotel-mumbai.webp)
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બાંદ્રા વિસ્તારમાં ‘તાજ’ જૂથની નવી અને અત્યાધુનિક હોટેલનો શિલાન્યાસ કર્યા પછી પ્રશંસા કરતા જણાવ્યું હતું કે મુંબઈ ભારતની આર્થિક રાજધાનીની સાથે ‘કન્વેન્શન કેપિટલ’ તરીકે ઊભરી રહ્યું છે. તાજ બેન્ડસ્ટેન્ડ હોટેલ મુંબઈની સુંદરતામાં વધારો કરશે અને પ્રવાસન તેમ જ વ્યવસાયની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ સાબિત થશે અને ભવિષ્યમાં મુંબઈની નવી ઓળખ ઊભી કરશે. ટાટા ગ્રુપ અને ખાસ કરીને તાજ હોટેલ્સે ભારતના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
Also read : મુંબઈગરાઓ આ સિઝનથી સાવધાનઃ બેવડી ઋતુમાં બીમાર ન પડતા
આ મુદ્દે ફડણવીસે વધુમાં કહ્યું હતું કે તાજ માત્ર એક હોટલ નથી, તે દરેક ભારતીયનું ગૌરવ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ૨૦મી સદીમાં કોલાબાના તાજની હોટેલ બનાવવામાં આવી હતી તેના માફક આવી જ હોટેલ ૨૧મી સદીમાં એક નવું પ્રતીક બની જશે.
મુંબઈમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓવાળી વધુ હોટેલ્સની જરૂરિયાત પર ભાર મૂકતાં આ ક્ષેત્રની કંપનીઓએ નવા પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે આમંત્ર્યા હતા. સ્વર્ગસ્થ રતન ટાટાના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ તાજ બેન્ડસ્ટેન્ડ હોટેલ ખૂબ જ અનોખી હશે. તે અદ્યતન અને નવા ભારતની શક્તિનો અહેસાસ પણ કરાવશે. અહીંના કાર્યક્રમમાં ફડણવીસની વિનંતીને ધ્યાનમાં રાખીને તાજ જૂથે કહ્યું કે તે ફડણવીસના હોમ ટાઉન નાગપુરમાં એક હોટેલ બનાવશે.
તાજ બેન્ડસ્ટેન્ડની વિશેષતાઓ
તાજ બેન્ડસ્ટેન્ડનું સંચાલન ISCL દ્વારા કરવામાં આવશે. તે કુલ બે એકરમાં ફેલાયેલ હશે. તેમાં 330 રૂમ અને ૮૫ એપાર્ટમેન્ટ હશે. આ હોટલમાં કોન્ફરન્સ રૂમ અને અન્ય વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પણ હશે. આ હોટેલ પૂર્ણ થયા બાદ ISCLની માલિકીની કુલ હોટલોની સંખ્યા વધીને ૧૭ થઈ જશે.
હાલમાં પાંચ હોટેલ નિર્માણાધીન છે. તાજ બેન્ડસ્ટેન્ડ મુંબઈમાં આ જૂથની પાંચમી હોટલ હશે. ઈન્ડિયન હોટેલ ગ્રુપ આના પર લગભગ ૨૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ હોટલ શરૂ થવાથી ૧,૦૦૦ લોકોને સીધી જ્યારે ૭,૦૦૦ લોકોને પરોક્ષ રીતે રોજગારી મળશે.
આ જમીન પર પહેલા સી રૉક હોટેલ હતી, જેને ૧૯૯૩ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ખુબ નુકશાન થયું હતું. બાદમાં આ હોટેલને ૨૦૦૮માં સંપૂર્ણપણે તોડી પાડવામાં આવી હતી. ISCLએ આ જમીન રૂ. ૬૮૦ કરોડમાં ખરીદી હતી.
Also read : Good News: મુંબઈમાં વધુ એક ટર્મિનસનું કામ પૂર્ણતાના આરે, જાણો કોને થશે ફાયદો?
કોલાબામાં આવેલ તાજમહેલ પેલેસ ૧૯૦૩માં ખોલવામાં આવી હતી, તેનાથી અંદાજે રૂ. ૮૦૦ કરોડની આવક થાય છે. આગામી કેટલાક વર્ષોમાં તે રૂ. ૧,૦૦૦ કરોડ સુધી પહોંચવાની ધારણા છે. ઈન્ડિયન હોટેલ્સના સીઈઓ પુનિત ચટવાલનો અંદાજ છે કે તાજ બેન્ડસ્ટેન્ડ વધુ કમાણી કરશે.