પાલિકાના ૧૦ હજાર અધિકારી-કામગારોનો ચૂંટણીનાં કામમાંથી છુટકારો થયો નથી

મુંબઈ: લોકસભા ચૂંટણીમાં મુંબઈ મહાપાલિકાના અંદાજે ૪૫ હજારથી પણ વધુ કર્મચારીને સેવા મોકલવામાં આવ્યા હતા. આમાં અધિકારીઓથી લઇને ચતુર્થ શ્રેણી વર્ગના કર્મચારીઓનો સમાવેશ થતો હતો. આને કારણે મહાપાલિકાનાં ૨૪ વોર્ડમાં સફાઈ, રસ્તા અને મળનિસારણ વિભાગનાં કામ પૂરી રીતે ઠપ થઇ ગયાં હતાં. ચૂંટણીનાં પરિણામ ૪થી જૂનના રોજ આવ્યા પછી પાલિકાના ૧૦,૪૦૦ અધિકારી-કર્મચારીઓને હજી સુધી કામથી મુક્ત કરવામાં આવ્યા નથી. આને કારણે મોન્સૂનનાં વિવિધ કામો પર અસર થવાની શક્યતા છે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણીના મેદાનમાં ઊતરેલ ત્રણે ટ્રાન્સજેન્ડરની ડિપોઝિટ જપ્ત
મુંબઈમાં લોકસભા ચૂંટણી માટે ૬૦થી ૭૦ હજાર કર્મચારી કામ કરે છે. ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર વિવિધ એસ્ટાબ્લિશમેન્ટમાં ૭૦ ટકા કર્મચારી આપવા જરૂરી છે. લોકસભા ચૂંટણીની પાર્શ્ર્વભૂમિ પર જિલ્લાધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારીની માગણી અનુસાર પાલિકાએ ૯૧ હજાર પૈકી ૪૫ હજારથી વધુ કર્મચારીઓ જાન્યુઆરીથી ઉપલબ્ધ કરાવી આપવામાં આવ્યા હતા. વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓને આ કામ માટે મોકલવામાં આવ્યા હતા.
૪થી જૂને થયેલી મતગણતરી બાદ તમામ અધિકારી-કર્મચારી ફરી કામ પર હાજર થશે, એવી અપેક્ષા હતી, તેમ છતાં ૧૦,૪૦૦ અધિકારી, કર્મચારીઓ હજી પણ ચૂંટણીનાં કામમાંથી મુક્ત થયા નથી. આમાંથી પાલિકાના ૮,૯૮૬ કર્મચારીઓને મતદાન કેન્દ્રીય અધિકારી, જ્યારે ૧,૪૧૪ અધિકારીઓને વિભાગીય અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. આ અધિકારી, કર્મચારીઓને હજી પણ ચૂંટણીનાં કામમાંથી મુક્ત કરવામાં આવ્યા નથી. મહાપાલિકાને તેમના આ અધિકારી-કર્મચારીઓની ઈંતેજારી છે. આ માટે પાલિકા સતત ફોલોઅપ કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.