એક લિટર દૂધની કિંમત 18.5 લાખ રૂપિયા!
દૂધ ઑર્ડર કરતી વખતે વડાલાની વૃદ્ધાને ફોન પર વ્યસ્ત રાખી સાયબર ઠગે તેનાં ત્રણ બૅન્ક ખાતાં ખાલી કરી નાખ્યાં

મુંબઈ: વડાલાની વૃદ્ધાને ઑનલાઈન એક લિટર દૂધ ઑર્ડર કરવાની કિંમત 18.5 લાખ રૂપિયા ચૂકવવી પડી હતી. સાયબર ઠગે વૃદ્ધાને ફોન પર વ્યસ્ત રાખી તેનાં ત્રણ બૅન્ક ખાતાં ખાલી કરી નાખ્યાં હતાં અને તેની જાણ વૃદ્ધાને છેક બીજે દિવસે થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઑનલાઈન ડિલિવરી ઍપ પર દૂધ ઑર્ડર કરવાના પ્રયાસમાં વડાલામાં રહેતી 71 વર્ષની વૃદ્ધા છેતરાઈ હતી. માત્ર બે દિવસમાં જ વૃદ્ધાએ તેની બધી બચત મૂડી ગુમાવી દીધી હતી.
પોલીસ ફરિયાદ અનુસાર ચોથી ઑગસ્ટે વૃદ્ધાને દૂધ કંપનીના પ્રતિનિધિનો કૉલ આવ્યો હતો. તેણે પોતાની ઓળખ દીપક તરીકે આપી હતી. દૂધ ઑર્ડર કરવા માટે દીપકે વૃદ્ધાના મોબાઈલ ફોન પર એક લિંક મોકલાવી હતી, જેમાં વિગતો ભરવાનું વૃદ્ધાને કહેવામાં આવ્યું હતું.
કૉલ ચાલુ રાખીને જ વૃદ્ધા આરોપીની સૂચનાઓને અનુસરતી રહી હતી. લગભક કલાક સુધી કૉલ ચાલુ રાખ્યા પછી કંટાળીને વૃદ્ધાએ કૉલ કટ કર્યો હતો. બીજે દિવસે દીપકે ફરી ફરિયાદીને કૉલ કર્યો હતો અને તેની વધુ વિગતો મેળવી હતી.
હંમેશ મુજબ વૃદ્ધા બીજે દિવસે બૅન્કમાં ગઈ ત્યારે તેના એક બૅન્ક ખાતામાંથી 1.7 લાખ રૂપિયાની ઉચાપતની જાણ થઈ હતી. વૃદ્ધાએ તેના અન્ય બે ખાતાંની તપાસ કરતાં તે પણ ખાલી હોવાનું જણાયું હતું. ત્રણ બૅન્ક ખાતાંમાંથી ફરિયાદીએ 18.5 લાખ રૂપિયા ગુમાવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આરોપીએ ફરિયાદીના મોબાઈલ ફોન પર લિંક મોકલાવીને ફોન કથિત રીતે હૅક કર્યો હતો. બાદમાં ફોનમાંની વિગતોને આધારે બૅન્ક ખાતાંમાંથી નાણાંની ઉચાપત કરી હોવાનું પોલીસનું કહેવું છે. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)