‘આર્થિક છેતરપિંડી’ના કેસમાં દેશની આર્થિક રાજધાની મુંબઈ મેટ્રો શહેરોમાં મોખરે

મુંબઈઃ મુંબઈ દેશની આર્થિક રાજધાની ગણાય છે, સાથે સાથે આર્થિક ગુનાઓમાં પણ શહેર અગ્રેસર છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના ડેટા મુજબ મુંબઈ 2023માં 6,476 આર્થિક ગુનાઓ સાથે મેટ્રોપોલિટન શહેરોમાં ટોચ પર હતું.
જોકે, 2022માં મુંબઈમાં નોંધાયેલા આર્થિક ગુનાઓની સંખ્યાની તુલનામાં 2023માં આવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો હતો. 2021 અને 2022માં અનુક્રમે 5,671 અને 6,960 કેસ નોંધાયા હતા, પરંતુ 2023માં પાછલા વર્ષની સરખામણીમાં આ આંકડો 484 કેસનો ઘટાડો થયો હતો. આ કેસોમાંથી, પોલીસે 37.9 ટકા કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે, એમ રિપોર્ટમાં જણાવાયું છે.
હૈદરાબાદ 5,728 આર્થિક ગુનાઓના કેસ સાથે બીજા ક્રમે
મેટ્રોપોલિટન શહેરોની યાદીમાં મુંબઈ પછી હૈદરાબાદ 5,728 આર્થિક ગુનાઓના કેસ સાથે બીજા ક્રમે છે, જ્યારે જયપુર 5,304 આવા કેસ સાથે ત્રીજા ક્રમે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નાણાકીય છેતરપિંડીના કેસોની સંખ્યાના સંદર્ભમાં મહારાષ્ટ્રનો ગ્રાફ ઉપર તરફ વધ્યો છે, 2023 માં 19,803 આવા ગુનાઓ નોંધાયા છે, જે 2022 માં 18,729 અને 2021 માં 15,550 હતા, એમ NCRB ના અહેવાલમાં જણાવાયું છે.
આ પણ વાંચો : આઇપીએસ ઓફિસર રશ્મી કરંદીકરના પતિની રૂ. 24 કરોડની છેતરપિંડીના કેસમાં ધરપકડ
નાણાકીય છેતરપિંડીના કેસ સાથે પ્રથમ ક્રમે રાજસ્થાન
રાજસ્થાન 27,675 નાણાકીય છેતરપિંડીના કેસ સાથે પ્રથમ સ્થાને હતું, જ્યારે તેલંગણા 26,321 સાથે બીજા સ્થાને હતું. આ બે રાજ્યો પછી મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે. 2023માં નોંધાયેલા કુલ આર્થિક છેતરપિંડીના કેસોમાં, પોલીસે મહારાષ્ટ્રમાં 54.9 ટકા કેસોમાં ચાર્જશીટ દાખલ કરી હતી, એમ ડેટા દર્શાવે છે. સાયબર ક્રાઇમ માટે મહારાષ્ટ્રમાં 8,103 કેસ નોંધાયા હતા અને તે ચોથા સ્થાને હતું. 2023માં21,889 કેસ સાથે કર્ણાટક પ્રથમ સ્થાને હતું.
આ પણ વાંચો : સાયબર ક્રાઇમ પર પોલીસનો સકંજો: 15 દિવસમાં 12 કેસ ઉકેલાયા, કરોડોની છેતરપિંડીનો પર્દાફાશ
સાયબર ક્રાઈમમાં મુંબઈમાં 2023માં 4,131 કેસ નોંધાયા
મહાનગરોમાં સાયબર ક્રાઇમના કેસોમાં મુંબઈમાં 2023માં 4,131 કેસ નોંધાયા હતા અને તે ત્રીજા સ્થાને રહ્યું હતું. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2023માં 17,631 કેસ નોંધાયા હતા, જેમાં બેંગલુરુ પ્રથમ સ્થાને હતું, જ્યારે 4,855 કેસ સાથે હૈદરાબાદ બીજા સ્થાને હતું.