ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર છ બ્રિજના થશે સમારકામ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા છ ફ્લાયઓવરના સમારકામ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવવાનું છે. આ છ ફ્લાયઓવરનો ઉપરનો ભાગ ખરાબ થયો હોવાથી ડામર નાખીને તેનું સમારકામ કરવામાં આવશે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા આ ફ્લાયઓવર બાંધવામાં આવ્યા હતા. એ બાદ ૨૯ નવેમ્બર, ૨૦૨૨ના રોજ આ ઈસ્ટર્ન એક્સપ્રેસનનું હસ્તાંતરણ પાલિકાને કરવામાં આવ્યું હોવાથી તેની સંપૂર્ણ જવાબદારી હવે પાલિકાની છે. કુલ ૧૯ કિલોમીટર અને સરેરાશ ૬૦ મીટર પહોળા રહેલા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની દેખરેખ હવે પાલિકાના માથે છે.
પાલિકાના રોડ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા મુજબ ઈસ્ટર્ન એક્સપ્રેસ પર ભાંડુપ-ઐરોલી પાસેનો બ્રિજ, જોગેશ્ર્વરી-વિક્રોલી લિંક રોડ, અંધેરી-ઘાટકોપર લિંક રોડ પરનો ફ્લાયઓવર, છેડા નગર, અંધેરી-કુર્લા લિંક રોડ પરના બ્રિજ વગેરેનો સમાવેશ થાય છે.
પાલિકા દ્વારા ઈસ્ટર્ન એક્સપ્રેસ પરના પુલના ઉપરના ભાગ પર ડામર નાખીને તેનું સમારકામ માટે ૬૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે. તે માટે ખાનગી કંપનીને કામ સોંપી દેવામાં આવ્યું છે.



