જે. જે. હૉસ્પિટલના ડૉક્ટરે અટલસેતુ પરથી દરિયામાં પડતું મૂક્યું…

મુંબઈ: મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ડૉક્ટરે અટલ સેતુ પરથી દરિયામાં કૂદકો માર્યો હતો. સર્ચ ઑપરેશન હાથ ધર્યા બાદ બીજે દિવસે પણ ડૉક્ટરની કોઈ ભાળ મળી નહોતી. ડૉક્ટરના આવા પગલા ભરવા પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું.
નવી મુંબઈના ઉલવે પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ ઘટના સોમવારની રાતે 9.43 વાગ્યે બની હતી. દરિયામાં કૂદકો મારનારા ડૉક્ટરની ઓળખ ઓમકાર ભાગવત કાવિત્કે (32) તરીકે થઈ હતી. કારમાં અટલ સેતુ પર આવ્યા પછી ડૉક્ટરે બ્રિજ પરના 11.800 કિ.મી. માર્ક પાસેથી દરિયામાં કૂદકો માર્યો હતો. અટલ સેતુ ક્ધટ્રોલ રૂમમાંથી ઘટનાની જાણ થતાં ઉલવે પોલીસ અને બીટ માર્શલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બ્રિજ પરથી પોલીસને એક કાર અને આઈ ફોન મળી આવ્યો હતો.
પોલીસને ઘટનાસ્થળેથી મળેલા મોબાઈલ પરથી દરિયામાં કૂદનારી વ્યક્તિની ઓળખ ડૉ. ઓમકાર તરીકે થઈ હતી. મોબાઈલના કૉલ લિસ્ટમાંના એક નંબર પર પોલીસે ફોન કર્યો હતો, જેને આધારે ફોન ડૉક્ટરનો હોવાની ખાતરી થઈ હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે નવી મુંબઈના કળંબોલી સેક્ટર-20 ખાતેની અવિનાશ સોસાયટીમાં રહેતો ડૉક્ટર મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો. ડૉક્ટરની બહેન સગાંસંબંધીઓ સાથે પોલીસ સ્ટેશને પહોંચી હતી.
પોલીસે તેનું નિવેદન પણ નોંધ્યું હતું. ડૉ. ઓમકાર અપરિણીત હતો અને તેના આવા પગલા ભરવા પાછળનું કારણ જાણી શકાયું નહોતું. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. દરમિયાન પોલીસે અટલ સેતુ ક્ધટ્રોલ રૂમમાં સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં ડૉક્ટરે દરિયામાં ઝંપલાવ્યું હોવાનું નજરે પડ્યું હતું. પોલીસ અને મરિન સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના જવાનોએ બોટની મદદથી દરિયામાં શોધ શરૂ કરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. આ બાબતે માછીમારોને પણ જાણ કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે.