મનોરી ડિસેલિનેશન પ્લાન્ટ :કંપનીએ પાલિકાના અંદાજિત બજેટ કરતા ૨૬ ટકા વધુ રકમની બોલી લગાવી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દોઢ વર્ષથી વધુ સમયના સતત પ્રયાસ બાદ આખરે પશ્ર્ચિમ ઉપનગરના મનોરી ગામમાં મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી ડિસેલિનેશન પ્લાન્ટની પહેલ આખરે આગળ વધી રહી છે. હૈદરાબાદ સ્થિત કંપનીએ સૌથી ઓછી બોલી લગાવનાર કંપની તરીકે આગળ આવી છે પણ તેની કિંમત પાલિકાના અંદાજિત બજેટ કરતા ૨૬ ટકાથી વધુ છે.
આ કંપનીને કામ આપતા પહેલા જોકે ટેક્નિકલ એડવાઈઝરી કમિટી કંપની સાથે વાટાઘાટ કરીને કિંમતમાં રહેલી વિસંગતતાની તપાસ કરવામાં આવશે, જેથી કરીને પાલિકાએ નક્કી કરેલા બજેટમાં કંપની કામ કરવા તૈયાર થાય.
પાલિકાએ ચાર ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ મનોરી ગામમાં ૧૨ હેકટરના પ્લોટ પર ડિસેલિનેશનલ પ્લાન્ટ નિર્માણ માટે ટેન્ડર બહાર પાડયું હતું.
ચાર અસફળ પ્રયાસ બાદ આ પ્રોજેક્ટમાં આખરે અનેક કંપનીઓએ રસ બતાવ્યો હતો, જેમાં જીવીપીઆર એન્જિનિયર્સ લિમિટેડે સૌથી ઓછી બોલી લગાવનાર કંપની તરીકે ઊભરી આવી છે. કંપની પહેલાથી ઘાટકોપરના સીવેજ પ્લાન્ટની ડિઝાઈન, બાંધકામ અને સંચાલનમાં રોકાયેલી છે, જયાં પ્રતિ દિવસ ૩૩૭ લિટર પાણી પર પ્રક્રિયા કરવામાં આવવાની છે.
પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) અભિજીત બાંગરે જણાવ્યું હતું કે ટેક્નિકલ એડવાઈઝરી કમિટી કંપની દ્વારા બોલીમાં લગાવેલી રકમની સમીક્ષા કરાશે, જેથી તેની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરી શકાય. તેમના તારણના આધારે અમે તે મુજબ વાટાઘાટ આગળ વધારશું. મનોરી ખાતે પ્રસ્તાવિત ડિસેલિનેશન પ્લાન્ટની પ્રારંભિક ક્ષમતા ૨૦૦ એમએલડી હશે, જે ૪૦૦ એમએલડી સુધી વધારી શકાય છે.
અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ અગાઉ ૨,૦૦૦ કરોડ રૂપિયા હતો તે હવે વધીને રૂપિયા ૩,૫૦૦ કરોડ થઈ ગયો છે, જે પ્રારંભિક ટેન્ડર અંદાજિત રકમથી વધુ છે. પાલિકાએ ૨૬ જુલાઈના વર્સોવામાં ત્રણ લગૂન સાથે સાત એકર સાઈટ પર પ્રસ્તાવિત તેના બીજા ડિસેલિનેશન પ્લાન્ટ માટે એક્સપ્રેશન ઓફ ઈન્રેસ્ટ (કામ માટે ઈચ્છુક કંપનીઓને આમંત્રી) આમંત્રિત કર્યા હતા.
આ પ્રોજેક્ટ ડિઝાઈન, બિલ્ડ, ફાઈનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર મોડેલ હેઠળ અમલમાં મૂકવામાં આવશે. આ વ્યવસ્થા હેઠળ ખાનગી ડેવલપર પર મૂડી ખર્ચનું ભંડોળ પૂરું પાડશે. જયારે પાલિકા પ્રક્રિયા કરેલા પાણી માટે પ્રતિ કિલોલીટર દર ચૂકવશે. બિડ સબમીટ કરવાની અંતિમ તારીખ ૧૧ નવેમ્બર, ૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે.