મુંબઈમાં મૂકબધિર મહિલાએ 16 વર્ષનું મૌન તોડ્યું: શ્રેણીબદ્ધ જાતીય શોષણ અને બ્લેકમેઇલનો કર્યો પર્દાફાશ

મુંબઈ: મુંબઈમાં 16 વર્ષ અગાઉ થયેલા જાતીય શોષણ અંગે મૂકબધિર મહિલાએ કરેલી ફરિયાદને કારણે શ્રેણીબદ્ધ દુષ્કર્મ અને બ્લેકમેઇલનો પર્દાફાશ થયો હતો, જેમાં આરોપીએ સમુદાયની અનેક મહિલાઓને વાસનાનો શિકાર બનાવી હતી. દુષ્કર્મનો ભોગ બનેલી એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ મૂકબધિર મહિલાએ હાલમાં પોતાનું મૌન તોડ્યું હતું અને 13 ડિસેમ્બરે આરોપી મહેશ પવારની ધરપકડ કરવામાં આવી હતી.
મહિલાના આત્મહત્યાના પ્રયાસથી વિચલિત મૂકબધિર મહિલાએ 2009માં પોતાના પર થયેલા જાતીય શોષણ વિશે તેના ફ્રેન્ડ્સને વીડિયો કૉલ પર જાણ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા પશ્ર્ચિમ પરાંની રહેવાસી છે. તેણે વ્હૉટ્સઍપ ગ્રૂપનો હિસ્સો એવા મિત્રો અને સાથીઓ સાથે વીડિયો કૉલ દરમિયાન સાંકેતિક ભાષામાં સંકેત આપ્યો હતો કે પોતે સગીર હતી ત્યારે આરોપીએ તેને ઘેનની દવા આપ્યા બાદ તેના સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આપણ વાચો: દુષ્કર્મના ગુનેગારો સામે ગુજરાત પોલીસની આક્રમક કાર્યવાહી, વધુ એક દુષ્કર્મી પર ફાયરિંગ…
પીડિતાએ પોતાના પતિને વિશ્ર્વાસમાં લીધો હતો અને થાણે ડેફ એસોસિયેશનના પ્રમુખ વૈભવ ઘૈસિસ, એક્ટિવિસ્ટ મોહંમદ ફરહાન ખાન, સાંકેતિક ભાષા સમજાવી શકનાર મધુ કેણી અને અલી યાવર જંગ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ ડિસેબિલિટીસ દિવ્યાંગજનના નિવૃત્ત અધિકારીની મદદથી તેણે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
પીડિતા, તેનો પતિ અને તેના કેટલાક મિત્રો કુરાર પોલીસ સ્ટેશનમાં ગયા હતા, જ્યાં પીડિતાનું નિવેદન ઇન-કેમેરા નોંધવામાં આવ્યું હતું. ત્યાર બાદ આરોપી મહેશ પવારની વિરારથી ધરપકડ કરવામાં આવી હતી.
16 વર્ષ પૂર્વેની આપવીતી જણાવતાં પીડિતાએ કહ્યું હતું કે તેની એક બહેનપણીએ તેને જુલાઇ, 2009માં શહેરમાં ફરવા માટે બોલાવી હતી અને તેને બાદમાં સાંતાક્રુઝના વાકોલા ખાતે મહેશના ઘરે લઇ જવામાં આવી હતી.
આપણ વાચો: ઘરમાં ઘૂસીને ચાકુની ધાકે યુવતી સાથે દુષ્કર્મ: સગીર ઘણસોલી સ્ટેશને પકડાયો…
બહેનપણીના બર્થડેની ઉજવણી નિમિત્તે આરોપીએ પીડિતાને સમોસા અને ઘેનયુક્ત ઠંડુંપીણું આપ્યું હતું, જે બહેનપણીએ જબરજસ્તી પીવડાવ્યું હતું. થોડા સમય બાદ બહેનપણી ત્યાંથી જતી રહી હતી. બાદમાં આરોપીએ પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેનો વીડિયો ઉતાર્યો હતો, જેના થકી પીડિતાને તે બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો.
દુષ્કર્મના આઘાતને લઇ પીડિતા વર્ષોથી જીવતી હતી. જોકે સમુદાયની અન્ય મહિલાઓ સાથે પણ આવું થતાં તેણે ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.
તપાસમાં આરોપીએ અન્ય મૂકબધિર મહિલાઓ સાથે પણ આ જ રીતે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. તેમનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો અને આ અંગે ફરિયાદ કરે તો વીડિયો જાહેર કરવાની ધમકી આપવામાં આવીહ તી. ઉપરાંત આરોપીએ વીડિયોને આધારે રૂપિયા, સોનું તથા મોબાઇલ ફોન પણ પડાવી લેતો હતો.
અત્યાર સુધીની તપાસમાં એવું સામે આવ્યું છે કે ઓછામાં ઓછી સાત મહિલા સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ આ સંખ્યા 24થી વધુ જઇ શકે છે. હવે પવારનો શિકાર બનેલી અન્ય મહિલાઓ પણ ફરિયાદ નોંધવા માગે છે, એમ મધુ કેણીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



