દહીંહંંડી: મુંબઈમાં નિયમોનો ભંગ કરવા બદલ 10 હજારથી વધુ વાહનોને 1.13 કરોડનો દંડ

મુંબઈ: મુંબઈમાં દહીંહંડીની શનિવારે ધામધૂમથી ઉજવણી દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ 10 હજારથી વધુ વાહનો સામે ચલાન જારી કરવામાં આવ્યા હતા અને તેમને 1.13 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
મુંબઈ, નવી મુંબઈ, થાણે, કલ્યાણ, મીરા-ભાયંદર, વસઇ-વિરારમાં પારંપરિક રીતે દહીંહંડીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમુક સ્થળે લાખો રૂપિયાના ઇનામ રાખવામાં આવ્યા હતા. થાણેના વર્તકનગરમાં જોગેશ્વરીના મંડળે 10 થર કરીને વિશ્વવિક્રમ રચ્યો હતો. દરમિયાન અનેક સહભાગીઓ ટૂ-વ્હીલર અનેે અન્ય વાહનોમાં જૂથોમાં ફરતા હતા.
પોલીસ સાથે બંદોબસ્તમાં તહેનાત ટ્રાફિક પોલીસે તહેવાર દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો સામે કાર્યવાહી કરી હતી અને તેમને દંડ પણ ફટકાર્યો હતો.
આ પણ વાંચો: આપણે ટ્રાફિકના નિયમોની ઐસીતેસી કરીએ છીએ તેનો આ છે પુરવો! અકસ્માતોમાં ભારત પહેલા ક્રમે
કુલ 10,051 ઇ-ચલાન જારી કરવામાં આવ્યા હતા, જેમાં 1.13 કરોડ રૂપિયાનો દંડ લાગુ કરાયો હતો. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારામાં હેલ્મેટ નહીં પહેરવી, રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ, બાઇક પર ટ્રિપલ સીટ, સ્પીડમાં વાહન હંકારવું વિગેરેનો સમાવેશ હતો.
વિવિધ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને જો ઉલ્લંઘન જોવા મળશે તો વધુ ચલાન જારી કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.