પાલિકાની ચૂંટણીમાં ડબ્બાવાળાનો દીકરો છવાઈ ગયો, જાણો કોણ છે?

મુંબઈ: લોકલ ટ્રેનો મુંબઈની લાઈફલાઈન તરીકે ઓળખાય છે તેવી જ ઓળખ મુંબઈના ડબ્બાવાળાઓની પણ છે. મુંબઈગરાની ભૂખ સંતોષનારા અને સમયસર ડબ્બા પહોંચાડનારા આ જ ડબ્બાવાળાઓનો પુત્ર મુંબઈ મહાનગરપાલિકામાં બેસવા જઈ રહ્યો છે. ડબ્બાવાળાઓ આજે તેમના પુત્રને કારણે ફરી સમાચારમાં ઝળક્યા છે, જેને પાલિકાની ચૂંટણીમાં જીતીને છવાઈ ગયો છે.
સામાન્ય નાગરિક એવા ડબ્બાવાળાનો પુત્ર મંગેશ દત્તારામ પાંગારે વોર્ડ નંબર 4માંથી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી જીતી ગયો છે. કોઈ પણ રાજકીય પૃષ્ઠભૂમિ વિના આ સફળતા મેળવી છે અને હવે મુંબઈ મહાનગરપાલિકામાં સ્થાન ગ્રહણ કરશે. આ પરિણામથી સ્થાપિત રાજકારણીઓને આંચકો લાગ્યો છે અને સામાન્ય નાગરિકના પુત્રની જીત દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગઈ છે.

મંગેશ પાંગારેના પિતા દત્તારામ પાંગારેએ આખી જિંદગી મુંબઈવાસીઓને સમયસર ભોજન પહોંચાડ્યું છે. તેમનો પુત્ર મુંબઈના કારભરમાં સહભાગી થવાનો હોવાથી ડબ્બાવાળાઓ પારાવાર આનંદમાં આવી ગયા છે, પરિણામ જાહેર થતાં જ સેંકડો ડબ્બાવાળાઓ મતદાન મથકની બહાર એકઠા થયા અને હવામાં સફેદ ટોપીઓ લહેરાવીને અને ગુલાલ ઉડાડી ઉજવણી કરી હતી.



