મહિને 10 ટકાના વળતરની લાલચે અનેકને છેતરનારા ચાર પકડાયા…
દુબઈની કંપનીમાં રોકાણ કરવા લલચાવી સાયબર ઠગે વિવિધ રાજ્યોમાંથી 65 કરોડ રૂપિયા પડાવ્યા

મુંબઈ: દુબઈની કંપનીમાં રોકાણ કરેલા નાણાં પર મહિને 10 ટકા વળતર આપવાની લાલચે મુંબઈના બિઝનેસમૅન સાથે 5.24 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરનારા ચાર સાયબર ઠગની પોલીસે ધરપકડ કરી હતી.
આ જ રીતે આરોપીઓએ વિવિધ રાજ્યોના નાગરિકોને છેતરીને અત્યાર સુધીમાં 65 કરોડ રૂપિયા પડાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ ફરિયાદીને દુબઈ બોલાવ્યો હતો, જ્યાં આરોપીના જણાવ્યા મુજબની કોઈ કંપની અસ્તિત્વમાં જ ન હોવાનું જણાયું હતું.
ફરિયાદીએ જે કંપનીમાં રોકાણ કર્યું હતું એ કંપની બોગસ હોવાનું જણાતાં આ ફ્રોડ પ્રકાશમાં આવ્યું હતું.
સાયબર પોલીસે તપાસ દરમિયાન દેશના અલગ અલગ ભાગોમાંથી ચાર જણને પકડી પાડ્યા હતા. ધરપકડ કરાયેલાઓમાંથી ત્રણની ઓળખ આર. મેનન (35), મણિકંદન (32) અને એ. પાંડી તરીકે થઈ હતી.
આરોપીએ આ જ પદ્ધતિથી બેંગલુરુ, ચેન્નઈ, મુંબઈ, પુણે અને કેરળના નાગરિકોને છેતરી 65 કરોડથી વધુ રૂપિયા પડાવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું. પોલીસના જણાવ્યા મુજબ ગયા વર્ષના ઑક્ટોબરમાં પશ્ર્ચિમ પરામાં રહેતા 65 વર્ષના બિઝનેસમૅનને એક આરોપીએ કૉલ કર્યો હતો.
દુબઈની ઈન્વેસ્ટમેન્ટ કંપનીના અધિકારીના સ્વાંગમાં કૉલ કરનારા આરોપીએ કંપનીમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરની લાલચ આપી હતી. ફરિયાદીએ કંપનીમાં નાણાં રોકવાની તૈયારી દેખાડતાં આરોપીએ કંપનીના ડિરેક્ટર સાથે ફોન પર ઓળખાણ કરાવી હતી.
ડિરેક્ટરે મહિને 10 ટકા વળતર અને એટલા જ મૂલ્યના કંપનીના શૅર્સની ઑફર આપી હતી. લાલચમાં આવી ફરિયાદીએ નવેમ્બરમાં આરોપીએ જણાવેલા બૅન્ક ખાતામાં નાણાં જમા કરાવ્યાં હતાં. જોકે એ નાણાં એક ખાનગી એકાઉન્ટમાં જમા થયા હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું હતું.
આ બાબતે પૂછપરછ કરતાં ડિરેક્ટરે દાવો કર્યો હતો કે એ ખાતું કંપનીના કર્મચારીનું છે અને બાદમાં તે રકમ કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. ફરિયાદમાં જણાવાયું હતું કે માર્ચ મહિનામાં ફરિયાદીને દુબઈ આવવાનું આરોપીએ કહ્યું હતું.
દુબઈ ગયા પછી ફરિયાદીને જાણવા મળ્યું હતું કે ચાર મહિના દરમિયાન તેણે 5.24 કરોડ રૂપિયા જે કંપનીમાં રોક્યા હતા એ કંપની અસ્તિત્વમાં જ નથી. ફરિયાદીએ બાદમાં કંપનીના માલિકનો સંપર્ક સાધ્યો હતો.
પોતે અમેરિકામાં હોવાનો દાવો માલિકે કર્યો હતો. ફરિયાદીએ રોકેલી રકમ પાછી માગતાં બનાવટી ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ્સ અને અન્ય દસ્તાવેજો આપવામાં આવ્યા હતા, એવું ફરિયાદમાં જણાવાયું હતું. (પીટીઆઈ)
આ પણ વાંચો…રાષ્ટ્રીયકૃત બૅંકનો નિવૃત્ત કર્મચારી બે મહિનામાં બે વાર છેતરાયો: બાવન લાખ રૂપિયા ગુમાવ્યા