બાળકીનો મૃતદેહ તેના જ ફ્લૅટમાં બાથરૂમના માળિયા પરથી મળ્યો: પડોશીની ધરપકડ
ગળું દબાવીને હત્યા કર્યા પછી શબ બૅગમાં ભર્યું: ઑનલાઈન ગૅમમાં નાણાં ગુમાવ્યાં હોવાથી બાળકીના પિતા પાસેથી ખંડણી માગવાની આરોપીની યોજના હતી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નવી મુંબઈના તળોજા ખાતે બનેલી ચોંકાવનારી ઘટનામાં ગુમ થયેલી ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ તેના જ ફ્લૅટના બાથરૂમની ઉપરના માળિયા પરથી મળી આવ્યો હતો. ગળું દબાવીને બાળકીની હત્યા કર્યા પછી મૃતદેહને બૅગમાં ભરીને માળિયા પર સંતાડવા બદલ પોલીસે પડોશીની જ ધરપકડ કરી હતી. ઑનલાઈન ગૅમિંગમાં નાણાં ગુમાવનારા આરોપીએ બાળકીના પિતા પાસેથી ખંડણી વસૂલવાની યોજના બનાવી હતી, પરંતુ પોલીસથી ડરીને તેણે મૃતદેહ બાળકીના જ ઘરમાં સંતાડ્યો હતો.
તળોજા પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ ત્રણ વર્ષની હર્ષિકા શર્મા તરીકે થઈ હતી. બાળકી તેના વડીલો અને મોટા ભાઈ સાથે તળોજામાં દેવીચા પાડા સ્થિત માઉલી કૃપા બિલ્ડિંગના બીજા માળે આવેલા ફ્લૅટમાં રહેતી હતી.
આ પણ વાંચો: મોઢામાં ટૉવેલનો ડૂચો માર્યા પછી ગળું દબાવી પત્નીની હત્યા કરનારો પકડાયો
પોલીસ ફરિયાદ અનુસાર મંગળવારની બપોરે 12.30 વાગ્યાની આસપાસ બાળકી ઘર બહારના પેસેજમાં રમતી હતી ત્યારે તેની માતા પણ ત્યાં બેઠી હતી. જોકે કંઈ કામ નિમિત્તે માતા થોડી મિનિટો માટે ઘરમાં ગઈ ત્યારે બાળકી એકાએક ગુમ થઈ ગઈ હતી. બાળકી નજરે ન પડતાં માતાએ તેની શોધખોળ કરી હતી. સાંજ સુધી બાળકીની કોઈ ભાળ ન મળતાં આખરે બાળકીના પિતા અમરીષ શર્માએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
પોલીસ બાળકીની શોધ ચલાવી રહી ત્યારે બુધવારની રાતે તેનું શબ ફ્લૅટમાં બાથરૂમની ઉપરના માળિયા પરથી મળી આવ્યું હતું. દોરીથી ગળું દબાવી હત્યા કર્યા બાદ બાળકીના શબને રેક્ઝિનની બૅગમાં ભરવામાં આવ્યું હતું. બાળકીનો મૃતદેહ તેના જ ઘરમાંથી મળતાં પોલીસને પણ આશ્ર્ચર્ય થયું હતું.
કેસની તપાસ માટે તળોજા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર પ્રવીણ ભગતની આગેવાનીમાં અધિકારીઓની પાંચ ટીમ બનાવવામાં આવી હતી. ડૉગ સ્ક્વોડને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. એ સિવાય ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં લાગી હતી.
આ પણ વાંચો: ખેતર માટે પુત્રએ માતાની હત્યા કરી મૃતદેહ પાણીની ટાંકીમાં ફેંક્યો
બિલ્ડિંગના રહેવાસીઓની પૂછપરછમાં બાળકીનો મૃતદેહ જે બૅગમાં મળ્યો હતો તે શર્માના સામેના ફ્લૅટમાં રહેતા મોહમ્મદ અન્સારીની હોવાનું જણાયું હતું. પૂછપરછમાં અન્સારીએ ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
બાળકો ઘરબહારના પેસેજમાં રમતાં હતાં તે મુદ્દે આરોપીની પત્ની અને બાળકીની માતા વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. આ વાતનો આરોપીને ગુસ્સો હતો. વળી, તાજેતરમાં તેણે ઑનલાઈન ગૅમમાં રૂપિયા ગુમાવ્યા હતા. બાળકીની હત્યા પછી મૃતદેહને ઠેકાણે પાડી તેના પિતા પાસેથી ખંડણી માગવાની આરોપીની યોજના હતી, પરંતુ બાળકી ગુમ થયાની બૂમાબૂમ અને પોલીસ આવી પહોંચતાં આરોપી શબને ઠેકાણે પાડી શક્યો નહોતો. બાળકીના વડીલો ફ્લૅટનો દરવાજો ખુલ્લો મૂકીને બાળકીની શોધ ચલાવી રહ્યા હતા ત્યારે આરોપીએ તક ઝડપી મૃતદેહને તેના જ ઘરમાં સંતાડ્યો હતો, એવી કબૂલાત આરોપીએ કરી હતી.