આમચી મુંબઈટોપ ન્યૂઝ

Mahadev Betting App કેસમાં SITએ કરી પ્રથમ ધરપકડ

મુંબઇઃ મહાદેવ સટ્ટાબાજી એપ ફ્રોડ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને મોટી સફળતા મળી છે. SITએ 15,000 કરોડના મહાદેવ સટ્ટાબાજીની એપ કેસના સંબંધમાં તેની પ્રથમ ધરપકડ કરી છે. મુંબઇ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીનું નામ દીક્ષિત કોઠારી (27) છે. એસઆઈટીએ ખુલાસો કર્યો છે કે મહાદેવ એપ સાથે જોડાયેલ વેબસાઈટનું ડોમેન કોઠારીના ઈમેલ એડ્રેસનો ઉપયોગ કરીને લેવામાં આવ્યું હતું અને તે છેલ્લા બે વર્ષથી મેન્ટેનન્સ ચાર્જ પેટે 20 લાખ રૂપિયા ચૂકવી રહ્યો હતો.

મહાદેવ ઓનલાઈન બુક બેટીંગ એપ એક અમ્બ્રેલા સિન્ડિકેટ હોવાનું જાણવા મળે છે જે ગેરકાયદેસર સટ્ટાબાજીની વેબસાઈટને નવા યુઝર્સની નોંધણી કરવા, યુઝર આઈડી બનાવવા અને બેનામી બેંક ખાતાના સ્તરવાળી વેબ દ્વારા નાણાંની લેવડ-દેવડ માટે સક્ષમ કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરુ પાડે છે, એમ એસઆઇટીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે કોર્ટના આદેશ બાદ માટુંગા પોલીસે મહાદેવ સટ્ટાબાજીની એપ કૌભાંડ અંગે કેસ નોંધ્યો હતો અને ત્યારબાદ આ મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી હતી.


SIT મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અન્ય આરોપીઓને શોધી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે ભારતમાં સટ્ટાબાજી પર પ્રતિબંધ હોવા છતાં આરોપીઓએ કાયદાકીય છટકબારીનો ફાયદો ઉઠાવીને વિદેશી ડોમેન પર વેબસાઈટ રજીસ્ટર કરાવી અને ભારતમાં સટ્ટાબાજીની સુવિધા પૂરી પાડી હતી.


કોર્ટના આદેશ પર કામ કરતા માટુંગા પોલીસે મોટી કંપનીઓ સહિત 31 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. એફઆઈઆરમાં નામ આપવામાં આવેલ અભિનેતા સાહિલ ખાનને પણ એસઆઈટી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તે હાજર થયો ન હતો. કોર્ટે તેના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.


મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપના બે પ્રમોટરોમાંનો એક સૌરભ ચંદ્રાકર દુબઇમાં નજરકેદમાં છે. ચંદ્રાકર સટ્ટાબાજીની સિન્ડિકેટનો માસ્ટર માઇન્ડ હોવાનું માનવામાં આવે છે. મહાદેવ ઓનલાઈન બેટિંગ એપના અન્ય પ્રમોટર રવિ ઉપ્પલની 14 ડિસેમ્બર, 2023ના રોજ દુબઈમાં અટકાયત કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના આદેશ પર દુબઈ પોલીસે ઉપ્પલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કર્યા બાદ તેની અટકાયત કરી હતી.


દુબઈ સત્તાવાળાઓએ ઉપ્પલની ધરપકડ પછી તરત જ ભારતીય અધિકારીઓને જાણ કરી હતી અને તેને દેશનિકાલ કરવાની તૈયારી દર્શાવી હતી કારણ કે તે લગભગ રૂ. 6,000 કરોડના મની લોન્ડરિંગમાં કથિત સંડોવણી માટે ભારતમાં વોન્ટેડ છે .

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button