ગેરકાયદે શસ્ત્રો વેચનારા ત્રણ પકડાયા: આઠ પિસ્તોલ અને 138 કારતૂસ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગેરકાયદે શસ્ત્રોનું વેચાણ કરવા સાથે સંકળાયેલા ત્રણ આરોપીની ધરપકડ કરી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આઠ પિસ્તોલ અને 138 કારતૂસ જપ્ત કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ મીઠાઈલાલ ગુલાબ ચૌધરી (53), દાવલ ચંદ્રપ્પા દેવમણિ ઉર્ફે ધવલ ઉર્ફે અનિલ (34) અને પુષ્પક જગદીશ મડવી (38) તરીકે થઈ હતી. કોર્ટે ત્રણેય આરોપીને 8 જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
વિલેપાર્લે પશ્ર્ચિમના જૂહુ પરિસરમાં એક શખસ શસ્ત્રો સાથે આવવાનો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે પોલીસની ટીમે સાંઈનાથ નગર સ્થિત ગુરુ નાનક રોડ પર પીવીઆર થિયેટર નજીક છટકું ગોઠવી ચૌધરીને પકડી પાડ્યો હતો. તેની પાસેની બૅગની તપાસ કરતાં એક પિસ્તોલ અને સાત કારતૂસ મળી આવી હતી. ચૌધરી વિરુદ્ધ જૂહુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પન વાચો : મુંબઈ-નાસિક હાઇ-વે પર મુસાફરોના બેહાલઃ ૪ કલાકની મુસાફરી ૧૦ કલાકમાં
પૂછપરછ દરમિયાન ચૌધરીએ આપેલી માહિતી પરથી પોલીસે વધુ પાંચ પિસ્તોલ અને 121 કારતૂસ હસ્તગત કરી હતી. આ શસ્ત્રો વેચવા માટે તેણે સંતાડી રાખ્યા હતા. ચૌધરી ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના વતની ચૌધરીએ તેના બે સાથી અનિલ અને મડવીનાં નામ આપ્યાં હતાં. પોલીસની ટીમે નવી મુંબઈમાં રહેતા અનિલ અને મડવીને તાબામાં લઈ તેમની પાસેથી પણ બે પિસ્તોલ અને 10 કારતૂસ જપ્ત કરી હતી. આ પ્રકરણે આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું