અમેરિકનોનાં બૅન્ક ખાતાં હૅક કરનારા બોરીવલીના બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ…
કમ્પ્યુટર ઍપ્લિકેશનની સમસ્યા હલ કરવા સહિત અન્ય કારણો રજૂ કરી છેતરનારા ચાર પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કમ્પ્યુટર ઍપ્લિકેશનની સમસ્યા હલ કરવાને બહાને અમેરિકન નાગરિકોનાં બૅન્ક ખાતાં કથિત રીતે હૅક કરનારા બોરીવલીના બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કરી ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીની ધરપકડ કરી હતી.
Also read : પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, આવતીકાલે રહેશે વિશેષ નાઈટ બ્લોક
બોરીવલી પશ્ચિમમાં વજીરા નાકા ખાતેના અમરકાંત ઝા માર્ગ પરની નિર્માણાધીન ઈમારતમાં બોગસ કૉલ સેન્ટર ચાલતું હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-12ના અધિકારીને મળી હતી. માહિતીને આધારે યુનિટના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર સચિન ગવસની ટીમે શુક્રવારે સાંજે કાર્યવાહી કરી હતી.
કાર્યવાહી દરમિયાન પોલીસે બોગસ કૉલ સેન્ટર ચલાવનારા, ક્લોઝર અને બે ટીમ લીડર મળી ચાર આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટે ચારેય આરોપીને 24 ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીઓ બોગસ કૉલ સેન્ટરના માધ્યમથી અમેરિકન નાગરિકોનો સંપર્ક સાધતા હતા. કમ્પ્યુટર ઍપ્લિકેશનની સમસ્યાનો હલ કરી આપવાને બહાને તેમનાં બૅન્ક ખાતાં હૅક કરતા હતા. પછી ખાતામાંનાં નાણાં ટ્રાન્સફર કરતા હતા.
Also read : Good News: બચ્ચા પાર્ટીને મળશે હવે ‘ડિઝની લેન્ડ’ જેવી મજા
કહેવાય છે કે આરોપીઓ માઈક્રોસૉફ્ટ કંપનીના પ્રતિનિધિના સ્વાંગમાં અમેરિકન નાગરિકો સાથે વાત કરતા હતા. અમુક વાર કમ્પ્યુટરની સમસ્યા હલ કરવાને નામે ગિફ્ટ કાર્ડ સ્વરૂપે નાણાં પડાવતા હતા. કૉલ સેન્ટરમાંથી છ લૅપટોપ, 20 મોબાઈલ ફોન, બે રાઉટર સહિતનાં સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં.