ગયા વર્ષના ભાવે જ નાળાઓની સફાઈ કરશે કૉન્ટ્રેક્ટરો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસા પહેલા મુંબઈના નાળાઓની સફાઈના કામ માટે મંગાવવામાં આવેલા ટેન્ડરમાં પૂર્વ અને પશ્ચિમ ઉપનગરના મોટા નાળાઓની સફાઈના કામમાં કૉન્ટ્રેક્ટરોએ મુંબઈ મહાનગરપાલિકાના અંદાજિત દર કરતા મોટી બોલી લગાવીને કામ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પાલિકાએ વાટાઘાટ કર્યા બાદ ૨૦૨૪ની સાલમાં જે દરમાં નાળા સફાઈ કરાવી હતી. એ દરમાં જ કામ કરવા માટે કંપનીઓ તૈયાર થઈ જતા કરોડો રૂપિયાના થનારા નુકસાનથી બચી ગયા હોવાનો દાવો પ્રશાસને કર્યો છે.
Also read : મહારાષ્ટ્રની ભાષા મરાઠી જ, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ
પાલિકાએ શહેર, પૂર્વ અને પશ્ચિમ ઉપનગરનાં સહિત નાનાં મોટાં નાળા અને મીઠી નદીની સાથે જ વેસ્ટર્ન તથા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર રહેલા કલ્વર્ટની સફાઈ કરવા માટે ટેન્ડર મગાવ્યાં હતાં. સફાઈ કામનાં ટેન્ડરમાં ગડબડ કરવામાં આવી હોવાનો રાજકીય પાર્ટી મનસે દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. કૉન્ટ્રેક્ટરો અને પાલિકાના અધિકારીઓ દ્વારા નાળસફાઈમાં કરોડની ઉચાપત કરવાનો પણ આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. જોકે પાલિકાએ તમામ આરોપોને ફગાવી દીધા હતા અને સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે શરૂઆતમાં બિડ અંદાજિત દર કરતા ત્રણથી ૧૦ ટકા વધુ હતી. જોકે વાટાઘાટો પછી તેમને મૂળ અંદાજ કરતા ત્રણથી ૨૦ ટકા ઓછી કરવામાં આવી હતી.
આગામી બે વર્ષ માટે નાળા અને મીઠી નદીની સફાઈ માટે પાલિકાએ ૫૪૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. નાના નાળાઓની સફાઈ લગભગ ૧૫ માર્ચ બાદ શરૂ થવાની છે. જોકે પાલિકાના અંદાજિત દર કરતા વધુ બોલી આવવાને કારણે મોટાં નાળાઓનું કામ અટવાઈ ગયું હતું. બાન્દ્રા, ખાર, સાંતાક્રુઝ, કુર્લા-સીએસટી રોડના ભાગ સહિત વિલે પાર્લે, માહિમ, ધારાવી, મલાડ, કાંદિવલી, બોરીવલી અને દહિસર સહિતના અનેક વિસ્તારોમાં નાળાની સફાઈના કામ માટે પાલિકાને તેના અંદાજિત દર કરતા કૉન્ટ્રેક્ટરો પાસેથી વધુ બોલી મળી હતી.
તાજેતરમાં એ બાબતે બેઠક યોજાયા બાદ સફળતાપૂર્વક ચર્ચા બાદ કૉન્ટ્રેક્ટરો સાથે દર ઘટાડવામાં પાલિકાને સફળતા મળી હતી. તેથી ટૂંક સમયમાં વર્ક ઓર્ડર બહાર પાડવામાં આવશે અને બહુ જલદી કામ ચાલુ કરવામાં આવશે એવું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
Also read : કાંદિવલીના 150 વર્ષ જૂના તાડકેશ્વર મંદિરને પાલિકાની નોટિસ
પાલિકાના નિયમ મુજબ ચોમાસા પહેલા ૭૫ ટકા નાળાસફાઈ, ૧૫ ટકા ચોમાસામાં અને ૧૫ ટકા ચોમાસા બાદ સફાઈ કરવામાં આવે છે. વાર્ષિક ધોરણે લગભગ ત્રણ લાખ મેટ્રિક ટન ગાળ (કાદવ-કચરો) સાફ કરવામાં આવે છે, જેમાં પાલિકાએ ગયા વર્ષે નાળાઓની સફાઈ માટે ૨૪૮ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. સામાન્ય રીતે દર વર્ષે આ કામ માટે કૉન્ટ્રેક્ટર રાખવામાં આવે છે. અમુક વખતે પ્રક્રિયામાં વિલંબ થતો હોય છે. તેથી સમયસર કામ થાય તે માટે પાલિકા બે વર્ષ માટે કૉન્ટ્રેકર નીમતી હોય છે