મુંબઈ ૧૪.૬ ડિગ્રી સાથે ટાઢુંબોળહિલ સ્ટેશન માથેરાનમાં ૧૭.૨ ડિગ્રી જળગાંવમાં પારો ૬.૦…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરાની શનિવારની સવાર ફરી એક વખત ટાઢીબોળ રહી હતી. હિલ સ્ટેશન માથેરાન કરતા પણ વધુ ઠંડી મુંબઈમાં નોંધાઈ હતી. મુંબઈમાં શનિવારે લઘુતમ તાપમાન ૧૪.૬ ડિગ્રી સાથે ચાલુ મોસમનો અત્યાર સુધીનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો.
તેની સામે માથેરાનમાં લઘુતમ તાપમાન ૧૭.૨ ડિગ્રી નોંધાયું હતું. તો રાજ્યમાં સૌથી નીચું તાપમાન જળગાંવમાં ૬.૦ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે મુંબઈ, થાણે સહિત રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ દરમ્યાન તાપમાનનો પારો હજી નીચે જવાની શક્યતા વ્યક્ત કરી છે.
મુંબઈમાં હજી ગયા શુક્રવારે, ૧૨ ડિસેમ્બરના લઘુતમ તાપમાન ૧૪.૯ ડિગ્રી નોંધાયું હતું. એ બાદ લઘુતમ તાપમાનનો પારો સતત ૧૬થી ૧૮ ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યો હતો. એ બાદ શનિવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૪.૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૨.૨ ડિગ્રી નોંધાયું હતું. તો કોલાબામાં લઘુતમ ૨૦.૧ અને મહત્તમ તાપમાન ૩૨.૨ ડિગ્રી નોંધાયું હતું. જયારે સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન મધ્ય મહારાષ્ટ્રના જળગાંવમાં ૬.૦ ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન છેક ૧૪.૬ ડિગ્રી જેટલું નોંધાયું હતું, જે છેલ્લા સાત વર્ષમાં બીજા નંબરે સૌથી નીચું તાપમાન તરીકે નોંધાયું હતું. ગયા વર્ષે મુંબઈમાં નવ ડિસેમ્બરના ૧૩.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અગાઉ ૨૦૧૮ની સાલમાં ૨૮ ડિસેમ્બરે ૧૪.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં મધ્ય મહારાષ્ટ્રમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જળગાંવમાં ૬.૦, અહમદનગરમાં ૬.૪, નાશિક ૬.૯ ડિગ્રી, માલેગાંવ ૭.૮ ડિગ્રી, પુણે ૮.૧ ડિગ્રી, સતારા ૯.૪ ડિગ્રી, સાંગલી ૧૧.૯ ડિગ્રી અને મહાબળેશ્ર્વર ૧૨.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
મઠાડવાડાના ઔરંગાબાદમાં ૧૦.૮ ડિગ્રી અને વિદર્ભના ગોંદિયામાં ૮.૨, નાગપુરમાં ૮.૬ ડિગ્રી, અકોલામાં ૧૦.૧, અમરાવતીમાં ૧૦.૫ ડિગ્રી, બુલઢાણામાં ૧૧.૫ ડિગ્રી, ચંદ્રપુરમાં ૧૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર અને મધ્ય ભારત તરફથી ફૂંકાઈ રહેલા ઠંડા પવનોને કારણે રાજ્યમાં તાપમાનમાં હજી ઘટાડો થઈ શકે છે અને ઠંડીનું જોર હજી વધી શકે છે. મુંબઈ અને થાણે સહિત રાજ્યના અનેક જિલ્લામાં આગામી ચારથી પાંચ દિવસ રાતના તાપમાનમાં હજી ઘટાડો થવાની શક્યતા છે.



