મુંબઈ કોસ્ટલ રોડ સ્વતંત્રતા દિવસથી ૨૪ કલાક ચાલુ રહેશે
કોસ્ટલ રોડ પ્રોમોનેડનું આજે મુખ્ય પ્રધાનના હસ્તે લોકાર્પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા માટે અત્યંત મહત્ત્વનો ગણાતો મુંબઈ કોસ્ટલ રોડ શુક્રવાર, ૧૫મી ઑગસ્ટના સ્વતંત્રતા દિનથી ૨૪ કલાક માટે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે. એ સાથે જ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કોસ્ટલ રોડ પર દરિયા કિનારે પાસે બાંધવામાં આવેલા ૫.૫ કિલોમીટર લંબાઈના પ્રોમેનેડ અને અંડરપાસનું લોકાર્પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ગુરુવાર, ૧૪ ઑગસ્ટ, ૨૦૨૫ના બપોરના ૧૨.૩૦ વાગે ઓનલાઈન કરવામાં આવશે. એ બાદ ૧૫ ઑગસ્ટના રોજ સાંજના ૪.૩૦ વાગ્યાથી જાહેર જનતા માટે સત્તાવાર રીતે તે ખુલ્લો મુકાશે.

મુંબઈ કોસ્ટલ રોડ (દક્ષિણ) હાલ સવારના સાત વાગ્યાથી રાતના ૧૨ વાગ્યા સુધી ટ્રાફિક માટે ખુલ્લો હોય છે, તે હવે શુક્રવાર ૧૫ ઑગસ્ટના રાતના ૧૨ વાગ્યાથી અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ કલાક માટે ખુલ્લો મુકવામાં આવશે. આ ભવ્ય પ્રોમોનેડ મુંબઈગરા સાથે જ દેશ-વિદેશથી આવતા પર્યટકો માટે વધુ એક નવું આકર્ષણ બની રહેશે.

કોસ્ટલ રોડના કિનારે ૭.૪૭ કિલોમીટર લંબાઈ અને ૨૦ મીટર પહોળાઈ ધરાવતો આ પ્રોમોનેડ તબક્કાવાર ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે, જેમાં પહેલા તબક્કામાં પ્રિયદર્શની પાર્કથી હાજી અલી સુધીનો ૫.૨૫ કિલોમીટરનો પટ્ટો અને બરોડા પેલેસથી વરલી સુધીનો વિસ્તાર નાગરિક માટે ખુલ્લો મૂકવામાં આવશે.
પ્રિયર્દશની પાર્કથી બાન્દ્રા-વરલી સી લિંકના વરલી છેડા સુધીના નવા પ્રોમોનેડ આઈકોનિક ૩.૫ કિલોમીટરના મરીન ડ્રાઈવ પ્રોમોનેડ કરતા બમણાથી વધુ લંબાઈનો છે. ટાટા ગાર્ડનથી હાજી અલી સુધીનો ૨.૭૫ કિલોમીટરનો પટ્ટો અને લવગ્રોવ નાળું( વરલી ગટર) અને બી.એમ. ઠાકરે ચોક વચ્ચેનો ૨.૫ કિલોમીટરનો પટ્ટાનું કામ ગયા મહિને પૂરું થયું હતું. એક મહિનાની રાહ જોવડાવ્યા બાદ આખરે પ્રોમોનેડ અને ફોર પેડેસ્ટ્રીયન અંડરપાસ જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે.

આ પ્રોમોનેડમાં ૧૯ એક્સેસ પોઈન્ટ હશે, જેમાં હાલમાં ભુલાભાઈ દેસાઈ રોડ પર આકૃતિ પાર્કિંગ બિલ્ડિંગ, વત્સલાબાઈ દેસાઈ ચોક (હાજી અલી જંકશન), વરલી મિલ્ક સ્કૂલ પાસે ખાન અબ્દુલ ગફાર ખાન રોડ અને વરલીમાં બિંદુમાધવ ઠાકરે જોક જેવા સ્થળોએ રાહદારીઓ માટે પ્રવેશ ઉપલબ્ધ રહેશે. બધા અંડરપાસમાં સીડી અને રેમ્પ છે, જેથી સાયકલસવારો અને દિવ્યાંગ લોકો માટે પ્રવેશ સરળ બની રહેશે. આ પ્રોમોનેડમાં ફિટનેસ સુવિધા પણ રહેશે, જેમાં ડેડીકેટેડ સાઈકલ ટ્રેક, બેસવા માટે વ્યવસ્થા સાથે દરિયાકિનારા પર લીલાછમ વૃક્ષો હશે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ હાજી અલી અને વરલી વચ્ચેનો બાકીનો ૨.૫ કિલોમીટરનો રસ્તો આગામી ૧૮ મહિનામાં પૂરો થવાની અપેક્ષા છે અને પ્રોમોનેડનો અંતિમ ભાગ તૈયાર પછી બાકીના એક્સેસ પોઈન્ટ ખુલ્લા મુકાશે.
મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં ૧૦.૫૮ કિલોમીટરનો આઠ લેનનો એક્સપ્રેસ વે છે, જે વરલીથી મરીન ડ્રાઈવને જોડે છે, જેનો કુલ ખર્ચ ૧૩,૯૮૪કરોડ રૂપિયા છે. આ રોડ છેલ્લા એક વર્ષમાં તબક્કાવાર ખુલ્લો મૂકવામાં આવ્યો છે. હાલમાં સવારના સાત વાગ્યાથી મધરાત સુધી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ૧૫મી ઑગસ્ટના મધરાતથી અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ કલાક માટે ખુલ્લો રહેશે. પાલિકા દ્વારા ભુલાભાઈ દેસાઈ રોડ, હાજી અલીમાં ૧,૨૦૦ વાહનો, વરલી ડેલી પાસે ૨૦૦ વાહનો અને વરલી સી ફેસ પાસે ૨૦૦ વાહનોની અંડરગ્રાઉન્ડ પાર્કિંગ સુવિધા પણ વિકસાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો…કોસ્ટલ રોડ પર પાર્કિંગ બનાવવા પ્રકરણે તપાસનો આદેશ