વર્સોવા-ભાયંદર કોસ્ટલ રોડનું કામ ઝડપી કરવાનો સુધરાઈ કમિશનરનો આદેશ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર) પ્રોજેક્ટ માટે આવશ્યક તમામ મંજૂરીઓ જેમાં પર્યાવરણ વિભાગથી લઈને અન્ય સરકારી વિભાગ પાસેથી નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ મેળવવા સહિતની મંજૂરીઓ મેળવીને પ્રોજેક્ટનું કામ ઝડપી કરવાનો આદેશ પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ શનિવાર સાઈટ વિઝિટ દરમ્યાન આપ્યો હતો.
મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા દક્ષિણ મુંબઈથી બાન્દ્રા સુધીના (દક્ષિણ) કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું કામ પૂરું થઈને હવે તેને અઠવાડિયાના સાતેય દિવસ ૨૪ કલાક માટે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યા છે. હવે પાલિકા પોતાની તમામ તાકાત મુંબઈ કોસ્ટલ રોડ (ઉત્તર) પ્રોજેક્ટમાં લગાવી રહી છે.

શનિવારે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ વેસાવેથી ભાયંદર પ્રોજેક્ટ અંતર્ગત ચારકોપ સ્થળ પર સાઈટ પર વિઝિટ કરી હતી. તેમ જ પેકેજ બી, સી, ડી અને ઈ એમ ચાર તબક્કામાં કરવામાં આવનારા કામ બાબતે વિગતવાર માહિતી મેળવી હતી. આ દરમ્યાન તેમણે રોડ અલાઈનમેન્ટ બાબતે જુદા જુદા મુદ્દા પર અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.
આ પ્રોજેક્ટ અંતર્ગ પશ્ર્ચિમ ઉપનગરમાં મલાડ મરિના એન્ક્લેવ, ચારકોપમાં સેકટર આઠ, ગોરાઈ ડમ્પિંગ ગ્રાઉન્ડ, ગોરાઈ ખાડી પરિસર, એક્સર મેટ્રો સ્ટેશન પરિસર, કાંદળપાડા મેટ્રો સ્ટેશન પરિસર, દહિસર (પશ્ર્ચિમ)માં આનંદ પાર્ક જેવા સ્થળો પર ઈન્સ્પેકશન કરીને પ્રોેજ્કટની માહિતી મેળવી હતી.
ખાસ કરીને પ્રોજેક્ટ માટેના કાસ્ટિંગ યાર્ડ માટેની જમીન ઉપલબ્ધતા, બાંધકામ, સાઈટ પર જવા માટેના રસ્તા વગેરે બાબતે પણ તેમણે માહિતી મેળવી હતી. આ દરમ્યાન કમિશનરે પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરને જોડનારા ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ ફેઝ-૩ (બી)માં અંતર્ગત ગોરેગામમાં દાદાસાહેબ ફાળકે ચિત્ર નગરીમાં બનાવવામાં આવનારી ટિવન ટનલની સાઈટનું પણ ઈન્સ્પેકશન કર્યું હતું.

ટ્વિન ટનલના ખોદકામ માટે ટીબીએમ મશીન સાઈટ પર આવી ગયું છે અને તેના છૂટ્ટા ભાગ જાપાનથી આવી ગયા હોઈ તેને જોડવાનું કામ ચાલી રહ્યું છે. બીજા ટીબીએમના ભાગ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી આવવાના છે,હાલ લોન્ચિંગ શાફ્ટ ખોદવાનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ ગોરગામથી મુલુંડ ફક્ત ૨૫ મિનિટમાં અંતર પાર કરી શકાશે.